10 March 2018

નવસારી નગરપાલિકાનું બજેટ 344 કરોડ, ગત વર્ષ કરતાં 54 કરોડ વધુ


નવસારી પાલિકાનાં આગામી વર્ષનાં બજેટનું કદ 344 કરોડ રૂપિયાનું રાખવામાં આવ્યું છે. જે વર્તમાન વર્ષનાં કદ કરતાં 18 ટકા વધુ છે. નવસારી નગરપાલિકાના આગામી 2018-19 વર્ષ માટેનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજેટને પ્રેમચંદ લાલવાણીના અધ્યક્ષસ્થાને મળેલી એક્ઝીક્યુટીવ કમિટીની બેઠક સમક્ષ મૂકવામાં આવ્યું હતું.

આ આગામી વર્ષના બજેટને એક્ઝીક્યુટીવ કમિટીમાં બહાલી મળ્યાની જાણકારી મળી છે. પાલિકાનું આગામી વર્ષના બજેટનું કદ 344 કરોડ (3.44 અબજ) રૂપિયા રાખવામાં આવ્યાની જાણકારી મળી છે. વર્તમાન વર્ષ 2017-18 નાં વર્ષના બજેટનું કદ 290 કરોડ રૂપિયા હતું. જેથી આગામી વર્ષનાં બજેટના કદમાં 18 ટકા વધારો કહી શકાય!

અહીં ઉલ્લેખનીય છે કે વર્તમાન વર્ષનાં બજેટમાં અનેક પ્રોજેક્ટો મુકવામાં આવ્યા હતા. જેમાનાં ઘણા સાકાર થયા તો કેટલાક અધુરા પણ રહ્યાં છે. વર્તમાન વર્ષમાં જે પ્રોજેક્ટો અમલી ન બન્યા તે પ્રોજેક્ટોને પૂન: આગામી 2018-19 નાં વર્ષમાં લેવાયાની પૂરી શક્યતા છે. રાજ્ય સરકાર ‘અમૃત યોજના’ હેઠળ કરોડોની ગ્રાંટ દર વર્ષ આપી રહી છે ત્યારે આ ગ્રાંટ થકી નવા પ્રોજેક્ટો પણ આગામી વર્ષમાં શરૂ થશે.

પાલિકાનાં આગામી બજેટને એક્ઝીક્યુટીવ કમિટીમાં બજેટને મંજુર બાદ હવે આગામી દિવસોમાં મળનારી સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરી બહાલી આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારી પાલિકાનું બજેટ પણ મહદઅંશે સરકારી ગ્રાંટ આધારિત જ હોય છે કારણ કે પાલિકાની સ્વભંડોળની આવક ખુબ જ સિમિત છે. કેટલાક પ્રોજેકટોમાં સરકારી ગ્રાંટ સમયસર ન મળે તો પ્રોજેકટ વિલંબાયા હોય એમ પણ જોવાયું છે.