14 March 2018

વિરોધ થતાં નવસારી પાલિકાએ રખડતાં ઢોરોના તબેલાની જગ્યા બદલવી પડી


નવસારીમાં રખડતા ઢોરના કારણે મહિલાનું મોત થયું હતુ. આ વાતે સફાળી જાગેલી પાલિકાએ ઢોર પકડવાની શરૂઆત કરી હતી. પાલિકાએ પારસી હોસ્પિટલ સામેના રોડ નજીકની પાલિકાની ખુલ્લી જગ્યામાં રખડતા ઢોરનો તબેલો બનાવવાની તજવીજ કરી હતી, જેની સામે મંગળવારે ભારે બબાલ થઈ હતી. સ્થાનિકોએ વિરોધ કરતા પાલિકાએ પકડેલા ઢોર માટે જગ્યા બદલવી પડી હતી.

જયશંકર પાર્ટી પ્લોટ સામે રહીશોનો ઉગ્ર આક્રોશ
નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. રખડતા ઢોરોથી સામાન્ય લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ રહ્યા છે. હાલમાં જ રખડતા આખલાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અનેક જણાં ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટના બાદ શહેરભરમાંથી પાલિકા ઉપર રખડતા ઢોરોની સમસ્યા હલ કરી શહેરમાંથી રખડતા ઢોર દૂર કરવા ભારે દબાણ થઈ રહ્યું છે. જેને લઈને પાલિકાએ એકાદ અઠવાડિયાથી ઢોર પકડવાનું અભિયાન શરૂ પણ કર્યું છે.

આ દરમિયાન રખડતા ઢોરને હાલમાં તો પાંજરાપોળ મોકલાવી રહ્યા છે પરંતુ કામચલાઉ ઢોરને રાખવા તબેલો જેવી જગ્યા બનાવવાની જરૂરિયાત પણ ઉભી થઈ છે. પાલિકાએ આ માટે પારસી હોસ્પિટલ સામેના રોડ ઉપર જયશંકર પાર્ટી પ્લોટની સામે પાલિકાની ખુલ્લી જગ્યામાં ઢોરનો તબેલો બનાવવાનું આયોજન કર્યું હતું. આ માટે ઉક્ત જગ્યા ઉપર ખૂંટા મારી તાડપત્રી પણ સોમવારે મારી હતી. જોકે ઢોરનો તબેલો પાલિકાની જગ્યામાં આવી રહ્યાની જાણ થતાની સાથે જ નજીકના રહેવાસીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.

મંગળવારે સ્થળ ઉપર સવારથી જ નજીકના રહેવાસીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. લોકોના વિરોધની ખબર પડતા પાલિકાના સત્તાધિશો સ્થળ ઉપર પહોંચી ગયા હતા ત્યાં પહોંચેલા સત્તાધિશોને લોકોએ ખરીખોટી સંભળાવી રહેણાંક વિસ્તારમાં તબેલો બનાવવાની વાતનો ભારે વિરોધ કર્યો હતો. લગભગ પોણો કલાક ભારે ગરમાગરમી થઈ હતી. પાલિકાના સમજાવટના પ્રયાસો છતાં રહીશોનો સમૂહ એકનો બે થયો ન હતો. રહીશોએ તાબડતોડ તબેલા માટે લગાવેલી તાડપત્રી વગેરે કઢાવી નાંખી હતી. અંતે લોકોના વિરોધને કારણે પારસી હોસ્પિટલ સામેની જગ્યા તબેલા માટે પાલિકાએ પડતી મુકવી પડી હતી.

હવે રામજી મંદિર નજીક જગ્યાની પસંદગી
નવસારી પાલિકાએ રખડતા ઢોરોને કામચલાઉ રાખવા હવે રામજી મંદિર નજીકની પાલિકાની ખુલ્લી જગ્યા પસંદ કરી છે. સાંજના સમયે આ જગ્યાની સાફસફાઈ, લેવલિંગ વગેરે કામગીરી શરૂ પણ કરી દીધી છે. આ જગ્યાએ અનેક વૃક્ષો છે તેથી છાંયડો પણ મળશે.

કાયમી ધોરણે સમસ્યા હલ કરાશે
લોકોની રજૂઆત તથા વિરોધ જોતા જaયશંકર પાર્ટી પ્લોટ સામેની જગ્યાએ ઢોર રાખવાનું હાલ પડતુ મુકાયું છે. પાલિકાએ ઢોરોને કામચલાઉ રાખવા નવી જગ્યા પસંદ પણ કરી છે. અમે શહેરમાંથી કાયમી ધોરણે રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા માંગીએ છીએ. --અશ્વિન કાસુન્દ્રા, ઉપપ્રમુખ, નવસારી પાલિકા

સ્થાનિક રહીશોનો આક્રોશ વ્યાજબી
રહેણાંક વિસ્તારમાં ઢોરનો તબેલો બનાવાય એ બાબતનો વિરોધ છે. બીજુ કે પાલિકાનો આ પ્લોટ ગાર્ડન જેવા પર્યાવરણીય હેતુ માટે છે ત્યાં કેવી રીતે તબેલો બનાવી શકાય સ્થાનિક રહીશોનો આક્રોશ વ્યાજબી છે. - ધવલકીર્તિ દેસાઈ, સ્થાનિક કોર્પોરેટર, નવસારી પાલિકા