17 March 2018

નવસારીમાં ભરઉનાળે ફરી પાણીની મોકાણ, પુન: શનિવારથી પાણીકાપ


ડિસેમ્બર માસમાં નહેરના રિપેરિંગ કામના કારણે પાણીનું રોટેશન બંધ રાખવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ફે્બ્રુઆરીમાં નહેરની મરામત પૂર્ણ થતાં પાણી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આથી નવસારીને શહેરને પાણી પૂરુ પાડતા દૂધિયા તળાવમાં પાણીની આવક થઇ હતી. આથી શહેરીજનોને બે સમય પાણી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે ફરી નહેરનું રોટેશન લંબાતા નવસારીજનોને ફરી પાણી કાપ સહન કરવાનો વારો આવશે. નવસારી નગરપાલિકાને નહેરનું પાણી મોડુ મળવાને કારણે શહેરમાં પુન: શનિવારથી પાણીકાપ મુકી એક જ સમય પાણી આપવામાંની ફરજ પડી છે.

નવસારી પાલિકા નહેરનું પાણી શુદ્ધ કરી શહેરીજનોને પુરું પાડે છે. જોકે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયમાં 60 દિવસ નહેરનું પાણી ન મળતા અહીંની નગરપાલિકાને આ દિવસો દરમિયાન એક જ ટાઈમ પાણી અને તે પણ બોરવેલનું પાણી મિક્સ કરી શહેરીજનોને આપવાની ફરજ પડી હતી. ગત ફેબ્રુઆરીમાં નહેરનું પાણી પુન: શહેરના દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં આવતા તળાવ ભરાઈ ગયા હતા. જેને લઈને નગરપાલિકાએ શહેરમાં પાણીકાપ ‘હળવો’કરી દીધો હતો. નગરપાલિકાએ અઠવાડિયાના તમામ 7 દિવસ એક ટાઈમની જગ્યાએ 3 દિવસ જ એક ટાઈમ પાણી આપી અઠવાડિયાના 4 દિવસ મંગળ, ગુરૂ, શનિ અને રવિવારે બે ટાઈમ પાણી આપવાની શરૂઆત કરી હતી. જે આજદિન સુધી જારી રહી છે.

પાલિકાને નહેરનું પાણી મોડુ મળવાને કારણે શહેરમાં પુન: શનિવારથી પાણીકાપ
જોકે પાણીના મામલે નવસારી પાલિકાને પુન: એકવાર પીછેહટ કરવી પડી છે. ધારણા પ્રમાણે નહેરનું પાણી પુન: ન મળવાને કારણે પાલિકા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પાલિકાએ આજે શુક્રવારે કરેલી જાહેરાતમાં જણાવ્યું કે નહેરનું રોટેશન 18મી માર્ચથી 31મી માર્ચ સુધી લંબાવાના કારણે નવસારીના તળાવમાં પાણી મળશે નહીં તેથી શહેરીજનોને આ સ્થિતિમાં શનિવારથી જ 31મી સુધી શહેરીજનોને પાણીનો પુરવઠો એક જ ટાઈમ આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે ગત 24મી ફેબ્રુઆરીથી નહેરનું પાણી બંધ થયું છે અને પાલિકાના તળાવમાં ઠલવાતું નથી. 20 દિવસથી પાણી ન આવતા શહેરના દુધિયા તળાવ અને દેસાઈ તળાવની સપાટી ક્રમશ: ઘટતી ગઈ છે.

ઉનાળાને લઈને મુશ્કેલી વધશે
નહેરનું રોટેશન 55થી 60 દિવસ બંધ રહેવાના કારણે નવસારી શહેરમાં આ દિવસો દરમિયાન પાણીકાપ મુકી પાલિકાએ તે વખતે પણ એક જ ટાઈમ પાણી આપ્યું હતું. જોકે તે વખતે શિયાળાની મોસમ હોય સ્થિતિ અલગ હતી. હાલ ભરઉનાળો ચાલી રહ્યો છે અને ગરમી પણ પડી રહી છે. આ સ્થિતિમાં એક ટાઈમ પાણી પુન: શહેરીજનોને મળતા મુશ્કેલી પડશે એ નક્કી છે. જોકે આ સ્થિતિ વધુ નહીં 10-12 દિવસ જ રહેવાની પાલિકાની ધારણા છે ત્યારબાદ પુન: રાબેતા મુજબ વધુ પાણી આપી શકાશે.

પાલિકાની ધારણા મુજબ પાણી ન મળ્યું
પાલિકાને નહેરનું પાણી 20મીએ મળવાની આશા હતી. જોકે હવે નહેરનું પાણી મોડુ મળવાની જાણ થતા તળાવમાં ઘટતા પાણીને લઈ પાણીકાપ મુકવાની ફરજ પડી છે. જોકે સતત પાણીનું મોનિટરિંગ, વિશ્લેષણ કરાશે અને આગામી નિર્ણયો લેવાશે.- રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા

સરકારની નીતિ મુજબ પાણી છોડાય છે
નહેરનું પાણી જ્યાંથી આવે છે એ ઉકાઈ ડેમમાં જ પાણી ઓછુ છે. જેને લઈને સરકારની નીતિ મુજબ પાણી છોડવામાં (આપવામાં) આવી રહ્યું છે. વી.સી. પટેલ, કાર્યપાલક ઈજનેર, અંબિકા ડિવિઝન