18 March 2018

નવસારીમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો બગાડ


નવસારીવાસીઓને પાણીની તકલીફ નહીં પડે તેવા આશય સાથે નવા રોટેશનમાં જ્યાં સુધી પાણી સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં નહીં આવે તે બાબતને ધ્યાનમાં રાખી નવસારી પાલિકા સત્તાધિશોએ શહેરીજનો માટે એક જ ટાઈમ પાણી પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ પાણીને બચાવી લોકોને સગવડ આપવાની વાત કરાઈ રહી છે પરંતુ બીજી બાજુ જૂનાથાણા વિસ્તારમાં સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી રસ્તા ઉપર વહી ગયું હતું અને લોકોના ઉપયોગમાં લેવા માટે છોડાયેલુ પાણી વેડફાયું હતું.

નવસારી પાલિકા દ્વારા શહેરીજનોને પાણીની અછત નહીં વર્તાય તે માટે સવારથી જ કરકસર કરવામાં આવી રહી છે. હાલ સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં છોડવાનું પાણી રોટેશનને આધારે બંધ કરતા જ્યાંથી શહેરીજનોને પાણી આપવામાં આવે છે તેવા દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે. હાલ 18મીથી 31મી માર્ચ સુધી નહેરનું રોટેશન લંબાવવામાં આવ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં આ તળાવોમાં આવેલા પાણીના જથ્થાને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જૂનાથાણા પાસે સવારના સમયે પાણીની લાઈનમાં પડેલું ભંગાણ રિપેર કરાયું ત્યાં સુધીમાં ચોમાસા જેવી સ્થિતિ થઈ ગઈ

તેના ભાગરૂપે જ પહેલા જે એક સપ્તાહમાં ત્રણ દિવસ સવાર-સાંજ અને ચાર દિવસ એક જ સમયે પાણી આપવાનું નક્કી કરાયું હતું. એ પછી સિંચાઈનું પાણી મળતા થોડા દિવસો અગાઉ જ શહેરના બંને મુખ્ય તળાવોમાં પાણીનો જથ્થો વધ્યો હતો. હવે આ જથ્થો લાંબા સમય સુધી ચાલે અને લોકોને ઉનાળામાં પાણીની અગવડ નહીં પડે તે હેતુથી એક ટાઈમ પાણી આપવાનું જાહેર કરી દેવાયું છે પરંતુ બીજી તરફ સત્તાધીશોની ઘોર બેદરકારી જોવા મળી હતી.

જૂનાથાણા વિસ્તારમાં સવારે પાણી સપ્લાયના સમયથી મુખ્ય લાઈનમાં પંકચર પડ્યું હતું. જેના પગલે હજારો લિટર પાણી રસ્તા ઉપર નકામુ વહી ગયું હતું. જેને લઈ લોકો માટે પાણી બચાવવાના ધમપછાડા સિવાય કશુ જ જણાયું નથી. અઢી કલાક પાણી રસ્તા ઉપર વહેતા ચોમાસુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જજના બંગલા સામેથી ઈંદિરા ગાંધીજીની પ્રતિમા સુધી પાણીની રેલમછેલ જો‌વા મળી હતી. આ હજારો લિટર પાણીનો બગાડ થતા શહેરીજનોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

ભંગાણ રિપેર કરી દેવાયું છે
પાણીની લાઈનમાં ભંગાણ થયાની જાણ થતા જ ગણતરીના સમયમાં પાલિકા કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંકચર રિપેર કરી પાણી વેડફાતુ અટકાવી દીધુ હતું.- રાજુભાઈ ગુપ્તા, એન્જિનિયર, નવસારી પાલિકા

પાણી બગડતું અટકાવવા કાર્યવાહી કરવી જરૂરી
પાણીનો બગાડ થાય તે હાલના સંજોગોમાં યોગ્ય નથી. સત્તાધિશો સામે શહેરીજનોએ પણ આવી ઘટના અંગે તાત્કાલિક પાલિકા કચેરી કે સ્થાનિક પાલિકા સભ્યનો સંપર્ક કરી જાણકારી આપવી જોઈએ. જેથી ભવિષ્યમાં પાણીની ખેંચ નહીં વર્તાય. એ માટે તમામે જાગૃત થવાની જરૂર છે.- પ્રમોદભાઈ રાઠોડ, પાલિકા વિરોધ પક્ષ નેતા