21 March 2018

નવસારીમાં હવે 'સરબતીયા તળાવ ફરતે લેકવ્યૂફ્રન્ટ' બનાવાશે


નવસારીમાં આકર્ષક 'દુધિયા તળાવ લેકવ્યુફ્રન્ટ' બનાવી દેવાયા બાદ હવે સરબતીયા તળાવ લેકવ્યુફ્રન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. સરબતિયા લેકવ્યુફ્રન્ટથી લુન્સીકુઇ વિસ્તારની સૂરત બદલાઇ જશે.

સરકારની આગવી ઓળખની ગ્રાંટમાંથી નવસારી પાલિકાએ અંદાજે 2.25 કરોડ રૂપિયાનાં ખર્ચે દુધિયાતળાવના કિનારે લેકવ્યુફ્રન્ટ બનાવ્યો છે અને લોકોને સમર્પિત પણ કરી દેવાયો છે. લેકવ્યુફ્રન્ટનો નજારાનો લાભ લેવા, આનંદની પળો વિતાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. જોકે પાલિકા શહેરમાં આ એક જ લેકવ્યુફ્રન્ટ (તળાવ ફરતે ઉદ્યાન) બનાવી નથી રહી પરંતુ વધુ બનાવી રહી છે.

મળતી માહિતી મુજબ શહેરનાં લુન્સીકુઇ વિસ્તારમાં આવેલા સરબતીયા તળાવ ફરતે પણ લેકવ્યુફ્રન્ટ બનાવાશે. આ લેકવ્યુફ્રન્ટની કામગીરી શરૂ પણ કરી દેવાઇ છે. અંદાજે 1.50 કરોડ રૂપિયાનાં ખર્ચે 'સરબતીયા ઉદ્યાન' બનશે. અહીં દુધિયાતળાવી જેમ અર્ધ ગોળાકારમાં નહીં પરંતુ ફુલ રાઉન્ડ (સંપૂર્ણ તળાવની ફરતે) આકારમાં ઉદ્યાન બનશે. આ લેકવ્યું ફ્રન્ટથી લુન્સીકુઇ વિસ્તારની શોભા તો વધશે પરંતુ સૂરત પણ બદલાઇ જશે. આ લેકવ્યુફ્રન્ટમાં પણ જોગીંગ પથ, મીની ગાર્ડન વિગેરે બનાવવામાં આવશે.

નવસારી નગરપાલિકાનાં સીટી ઇજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે, 'સરબતીયાતળાવ ફરતે પણ લેકવ્યુફ્રન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. જેની મોટે ભાગની કામગીરી ચોમાસા અગાઉ પૂરી થઇ જવાની આશા છે'.

ત્યારબાદ થાણા તળાવમાં પણ 
નવસારી શહેરમાં દુધિયાતળાવ સિવાય સરબતીયા અને થાણા તળાવ ફરતે પણ લેકવ્યુફ્રન્ટ બનશે. જલાલપોર વિસ્તારમાં લેકવ્યુફ્રન્ટ બનતાં શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ 'હરવા ફરવાનું સ્થળ' બનશે. અંદાજીત 1.75 કરોડ રૂપિયાનાં ખર્ચે આ થાણા તળાવ લેકવ્યુફ્રન્ટ બનશે. જેમાં પણ મીની ગાર્ડન, વોક વે પથ જેવા આકર્ષણ હશે.