22 March 2018

નવસારી પાલિકામાં બજેટની ચર્ચા ન કરતાં વિપક્ષે બજેટ જ ફાડી નાખ્યું


નવસારી નગરપાલિકાની બુધવારે મળેલી બજેટ સભામાં ધારણા મુજબ જ ભારે ધાંધલ ધમાલ થઈ હતી. જોકે ભારે શોરબકોર વચ્ચે રૂ. 344 કરોડના કદના 77 લાખની પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં એકત્રીત મિલકત વેરામાં આગામી વર્ષે 10 ટકાનો વધારો કરાશે તથા પાલિકાની વેરા વસૂલાત થકી રૂ. 13.60 કરોડ મેળવવાની આશા વ્યક્ત કરાઈ છે. નવસારી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બુધવારે પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી.

પાલિકાના બજેટમાં ફરી લુન્સીકૂઇ દીવાલ નવીની કરણ અને રંગ વિહાર ઓડિટોરિયમ માટે ખર્ચ પાડવામાં આવ્યો
સભામાં ચર્ચા કરતા વિપક્ષી સભ્ય ધવલકીર્તિએ જંબો કદના બજેટને છેતરામણુ જણાવ્યું હતું. વિપક્ષી સભ્ય અયાઝ ઉર્ફે અંજુમ શેખે બજેટ ઉપર ચર્ચા કરતા જણાવ્યું કે સને 2016 કરતા 2017-18માં પાલિકાની આવક 20 કરોડ ઘટી છે તે ચિંતા દર્શાવે છે. બંધ સિલક અને ઉઘડતી સિલકમાં તફાવત કેમ આવે છે. બજેટના આંકડા મળતા જ નથી. વ્યવસાયવેરાની કરોડોની બાકી છે તેનું શું આ સહિતના અનેક સવાલો કર્યા હતા. વિપક્ષી ઉપનેતા પ્રભાબેન વલસાડીયાએ આંગણવાડીની સ્થિતિ, ઈન્દિરા ગાંધીની પ્રતિમાની ખરાબ હાલત, આદિવાસી વિસ્તારમાં ઓછી નાણાંકીય ફાળવણી વિશે રજૂઆતો કરી હતી. ઈકબાલ ઉસ્માની અને પિયુષ ઢીમ્મરે પણ ચર્ચામાં ભાગ લીધો હતો.


સામે પક્ષે એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ આવક ઘટવા માટે એક કારણ બાંધકામની સત્તા નૂડામાં અગાઉ ગઈ હોય તે પણ જણાવ્યું હતું. તેમણે બજેટ ગ્રાંટ ઉપર આધારિત હોય કેટલાક કામો ઉપર અસર પડતી હોવાનું પણ જણાવ્યું હતું. શાસકપક્ષના સભ્ય ત્રિભોવન ચાવડાએ વિપક્ષની દલીલોને ખોટી ગણાવી સવાલોના જવાબ માંગવાની વાત સાથે સહમત ન થતા બંને પક્ષે તડાફડી થઈ હતી. સભા દરમિયાન અપક્ષ સભ્ય કૃતિકા વૈદને કારણે સભામાં વિક્ષેપ આવ્યો હતો. ઘણો સમય શોરબકોરમાં વેડફાતા શાસક પક્ષે બજેટ ઉપર વધુ ચર્ચાની માંગણી ન સ્વીકારતા વિપક્ષે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.


જોકે બજેટ સહિતના કામો સૂત્રોચ્ચાર વચ્ચે જ મંજૂર કરી દઈ સભાને શાસક પક્ષે પૂર્ણ થયેલી જાહેર કરી દીધી હતી. શાસકોની આ વર્તણૂક જોઈ વિપક્ષી સભ્યોએ બજેટની કોપી ફાડી વિરોધ દર્શાવ્યો હતો.

માત્ર આંકડાની માયાજાળ
બજેટ માત્ર આંકડાની માયાજાળ છે. લોકોને મોરા સપના બતાવાય છે. વાસ્તવમાં પરિણામ આવતું નથી અને લોકોને ઉલ્લુ બનાવાય છે.- અયાઝ શેખ, વિપક્ષી સભ્ય, નવસારી પાલિકા

બજેટ વિકાસશીલ છે
આ બજેટ વિકાસશીલ બજેટ છે અને તેમા વિકાસ માટેના અનેક પ્રોજેકટો મુકવામાં આવ્યા છે. શહેરમાં જે બાબતોની ઉણપ છે યા નથી તે આ બજેટ પૂરી કરશે.- પ્રેમચંદ લાલવાણી, એક્ઝિ. ચેરમેન, નવસારી પાલિકા

પાલિકાના વિપક્ષ સભ્યના જણાવ્યા અનુસાર પાલિકાની 20 કરોડની આવક ઘટી જતાં ચિંતા 
બજેટમાં વિવિધ પ્રોજેકટોનાં આકર્ષણો
- 36 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
- 3.75 કરોડના ખર્ચે બે તળાવોમાં લેકવ્યુ ફ્રંટ
- 2.50 કરોડના ખર્ચે પાંચહાટડી શોપિંગ સેન્ટરનું નવિનીકરણ
- 17.50 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ
- 2 કરોડના ખર્ચે લુન્સીકૂઈ દિવાલ નવિનીકરણ, બ્લોકપેવિંગ
- પ્રકાશ ટોકીઝથી વિરાવળ રિંગરોડ માટે રૂ. 14.50 કરોડ
- 32.50 કરોડનો ખર્ચ પ્રધાનમમંત્રી આવાસ યોજના માટે
- 1.50 કરોડ સ્ટેશન શાકમાર્કેટ નવિનીકરણ
- 1.80 કરોડ નગરપાલિકા કચેરી રિનોવેશન
- 2.25 કરોડ રંગવિહાર ખાતે નવું ફાયર સ્ટેશન
- 2.25 કરોડ જૂનાથાણા વિસ્તારમાં અંગ્રેજી શાળા
- 8 કરોડ પેડેસ્ટ્રીયલ પથ
- 6.50 કરોડના ખર્ચે હોકર્સ ઝોન
- રંગવિહાર ઓડિટોરીયમ (5 કરોડથી વધુના ખર્ચે)

વિપક્ષની રામધૂન અને લોલીપોપ
નવસારી નગરપાલિકાની સામાન્ય સભા બજેટ તથા અન્ય કામોમી પૂર્ણ ચર્ચા વિના જ શાસક ભાજપે આટોપી લેતા વિપક્ષ કોંગ્રેસે સભા બાદ અનોખો વિરોધ કર્યો હતો. સભા પૂર્ણ થતા જ વિપક્ષ પ્રમુખ અલકાબેન દેસાઈની ચેમ્બર પાસે પલાઠી વાળી બેસી ગયો હતો અને રામધૂન બોલાવી હતી. ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. વિપક્ષે આ બજેટને શહેરીજનો માટે માત્ર ‘લોલીપોપ’ ગણાવી સભા પૂર્ણ થયા બાદ સભ્યોને ‘લોલીપોપ’ પણ વહેંચી હતી.