28 March 2018

4 દિવસ માર્કેટ બંધના નિર્ણય સામે વેપારીઓનો મોરચો


28મીથી 31મી માર્ચ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય 27મીએ વેપારીઓને મોડેથી જણાવાયો. આ બાબતને ધ્યાને લઈ નવસારી પાલિકાના સત્તા‌વાળાઓએ આજે મંગળવારે એક નિર્ણય લીધો હતો. આ નિર્ણય અંતર્ગત ટ્રાફિક સમસ્યા ન સર્જાય, સ્વચ્છતા માટે માર્કેટમાં (બહારની બાજુએ) સાફસફાઈ તથા વ્યવસ્થિત પટ્ટા દોરવા માટે બુધવાર 28મીથી 31મી માર્ચ ચાર દિવસ માટે રસ્તા પરની માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની જાણ શાકમાર્કેટના વેપારીઓને કરાતા ભડકો થયો હતો.

સાંજના સમયે શાકમાર્કેટના વેપારીઓનો મોરચો પાલિકા કચેરીએ રજૂઆત માટે પહોંચ્યો હતો. જોકે પાલિકામાં પ્રમુખ, સીઓ જેવા જવાબદારો મળ્યા ન હતા. વેપારીઓનું કહેવું હતું કે અચાનક જ માર્કેટ 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય લઈ જાણ કરાય એ યોગ્ય નથી. અગાઉથી જાણ કરવી જરૂરી છે કારણ કે તેનાથી વેપારીઓના શાકભાજી-ફળ વગેરેનો બગાડ થઈ નુકસાન જાય છે. વેપારીઓની રજૂઆત સંદર્ભે કોઈ નિર્ણય મોડી સાંજ સુધી લેવાયો ન હતો.

શાસકો ફેરવિચારણાનો નિર્ણય લે તો 
માર્કેટમાં સાફસફાઈ અને વ્યવસ્થિત પટ્ટા દોરવા માટે માર્કેટ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ શાસકો હાલ ફેરવિચારણા કરવાનો નિર્ણય લે તો મને કોઈ વાંધો નથી. રમેશ જોષી, ચીફ ઓફિસર, નવસારી પાલિકા