31 March 2018

નવસારીમાં ગાયો ડબ્બે કરાઇ પરંતુ આખલા રખડતા રહી ગયા


નવસારીમાં રખડતા ઢોર ડબ્બે કરવાની ઝૂંબેશ અંતર્ગત મહત્તમ ગાયો ડબ્બે થઈ જતા હવે શહેરમાં આખલાઓ જ ફરતા જોવા મળી રહ્યા છે.

નવસારી શાકમાર્કેટમાં રખડતા આખલાની અડફેટે આવી જતા વૃદ્ધ મહિલાનું મૃત્યુ એકાદ મહિના અગાઉ થયું હતું. આ દુર્ઘટના બાદ પાલિકા સફાળી જાગી અને ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરી હતી. આ ઝૂંબેશ અંતર્ગત 220 ઢોરને પકડી ખડસુપા પાંજરાપોળ માકલી અપાયા છે.

હાલ શહેરમાં જે ઢોર રખડતા જોવા મળી રહ્યા છે તેમાં ગાયની સંખ્યા ખુબ ઓછી છે અને મહત્તમ આખલા જ ફરી રહ્યાની જાણકારી મળી છે. પાલિકાના સૂત્રોએ પણ આ વાત સ્વીકારી છે. આ માટે કેટલાક કારણો છે. ઢોર પકડવાની ઝૂંબેશમાં ગાયો તો મહત્તમ પકડાઈ ચૂકી છે આખલા પણ પકડાયા તો છે પરંતુ કેટલાય બાકી રહી ગયા છે. ડબ્બે કરવાની ઝૂંબેશથી રખડતી ગાયના કેટલાક માલિકો પણ સાવચેત થઈ ગયા છે અને ગાયો છૂટી મુકતા નથી.

બીજી તરફ આખલા અંગે આવી તકેદારી ખાસ રખાતી નથી. જેને લઈ ફરતા જોવા મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કેટલાક આખલા રહી ગયા છે તે પણ ભય ઉભો કરી રહ્યા છે. હાલમાં જ ટાવર વિસ્તારમાં આખલા લડાઈએ લોકોને ભયભીત કરી અનેક વાહનોને નુકસાની પહોંચાડી હતી.