8 March 2018

સૌથી નાની વયની મહિલા સ્પોર્ટસ કાર રેસર મીનાક્ષી પુરોહિત


વિશ્વ મહિલા દિનની ઉજવણી વિશ્વભરમાં ધામધુમથી ઉત્સાહભેર થાય છે. આજની મહિલા હવે માત્ર ઘરની ચાર દિવાલો પૂરતી સીમિત રહી નથી. તેઓ હવે પુરૂષની માફક તમામ ક્ષેત્રમાં આગેકૂચ કરી ચૂકી છે. આવી જ મહિલા નવસારીમાં પણ છે. મિનાક્ષી પુરોહિત ગુજરાતની પ્રથમ ક્રોસ કાર રેલીમાં ભાગ લેનારી મહિલા છે.

મક્કમ નિર્ધાર સાથે આગળ વધેલી 30 વર્ષીય પરિણીતા મિનાક્ષી પુરોહિત શહેરના દેવીના પાર્ક વિસ્તારમાં રહે છે. મીનાક્ષી ધો. 7થી જ ફોર વ્હીલર ગાડી ચલાવવાનો શોખ રાખતી હતી. મિનાક્ષીના જીવનમા મોટા વળાંકો આવી ચુક્યા છે. 16 વર્ષની ઉંમરની હતી ત્યારે બીમારીના કારણે એક વર્ષ સુધી કોમામાં રહી હતી. મનોચિકિત્સકની સારવાર બાદ સાજી થઈ એ પછી શોખને આગળ વધારીને આજે ગુજરાતની સૌથી નાની વયની મહિલા સ્પોર્ટસ કાર ડ્રાઈવર બની છે.


સોશ્યલ મિડિયાની મદદથી વર્ષ 2010મા દિલ્હીમાં યોજાનાર વુમન્સ મોટર સ્પોર્ટસની જાણ થતા માહિતી મેળવી પોતાની ગાડી લઈ એકલી પહોંચી હતી અને પહેલી જ વખત દ્વિતીય નંબર મેળવ્યો હતો.મોટર સ્પોર્ટસ ડ્રાઈવિંગમાં દેશમાં મોટાભાગની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. પહાડો સર કરનારી અને જંગલોનું ભ્રમણ કરનાર મિનાક્ષી ગુજરાતમાં પ્રથમ કાર રેસર બનીને અલગ તરી આવી છે. લોંગ ડ્રાઈવિંગમાં પદકો અને મેડલોની હારમાળા સર્જી છે. પુરુષપ્રધાન દેશમાં મહિલા તરીકે મિનાક્ષીએ 16 નેશનલ કાર રેલીમાં ભાગ લીધો છે.


માત્ર ધો. 10 પાસ મિનાક્ષી ડિગ્રી ધારણ કરેલી વિદ્યાર્થિનીઓ કરતા પણ વિશેષ કાર્ય કર્યું છે અને અનેક મહિલાઓને સંદેશો આપી આગળ ધપવાની પ્રેરણા આપી રહી છે. બેંગ્લોરમાં વર્ષ 2017માં ચોમાસા દરમિયાન લેકરેલી બેંગ્લોરથી પુના સુધીની રેલીમાં ભાગ લીધો હતો.

નાનપણમાં સ્વપ્ન જોયેલું તે સાકાર કર્યું

મને કાર ચલાવવાનો શોખ છે અને તેથી જ સ્પોર્ટસમાં કાર રેસિંગનું ફિલ્ડ પસંદ કર્યું છે. નાનપણથી જોયેલા સ્વપ્ન સાકાર કરવાનો પ્રયાસ ચાલુ જ છે. આજે મહિલાને પુરૂષ સમોવડી બનાવવાના પ્રયાસ ચાલુ છે પરંતુ તેના માટે મહિલાઓએ  યોગદાન આપવું જ પડશે. - મિનાક્ષી પુરોહિત, નવસારી