26 March 2018

નવસારી સિવિલમાં અદ્યતન ઓપીડી મકાન બનશે


નવસારીમાં અંદાજે 17 કરોડનાં ખર્ચે સિવિલ હોસ્પિટલમાં નવીન ઓપીડી સહિત અનેક વિભાગોનું મકાન બનાવવામાં આવશે. આ વર્ષે કામગીરી માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હાલ સિવિલના પાછળના ભાગની કામગીરી શરૂ કરવામાં આવી છે જે પૂર્ણ થયા બાદ બાકીની વધુ રકમ ફાળવીને અન્ય કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના આધુનિકરણની વાતે પ્રજાજનોમાં આનંદ ફેલાયો છે.

નવસારી જિલ્લામાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલ નવસારીમાં આવેલી છે. એમજીજી હોસ્પિટલના નામે ઓળખાતી આ હોસ્પિટલ વર્ષો જુની છે. જેના કારણે મકાન જુનું થઇ ગયું છે. આ બાબતને ધ્યાને લઇ સરકારે નવસારી સિવિલ હોસ્પિટલનું મકાન નવું બનાવવાનો નિર્ણય લીધો હતો.પ્રથમ તો હોસ્પિટલમાં કાર્યરત ઇન્ડોર એવા, ઇમરજન્સી સેવા સહિતની સેવાઓ માટે નવું મકાન બનાવવામાં આવ્યું હતું. આ મકાન બનીને તૈયાર થઇ ગયું અને છેલ્લા કેટલાય સમયથી કાર્યરત પણ છે.

જો કે હોસ્પિટલની ઓપીડી સેવા, એક્સ રે વિભાગ, સહિતના અનેક વિભાગ હજુય જુના મકાનમાં જ કાર્યરત છે. હવે રાજ્ય સરકારે આ જુના મકાનની જગ્યાએ ઓપીડી સહિતની સેવાઓ માટે નવું મકાન બનાવવાનો નિર્ણય લઇ લીધો છે. નવા મકાન માટે પૂર્ણત: ખર્ચનો અંદાજ 17 કરોડ રૂપિયા જેટલો છે. જોકે પ્રથમ તબક્કામાં 2018-19 નાં વર્ષ માટે સરકારે ઓપીડીના નવા મકાન અને નર્સિંગ હોસ્પિટલ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી બજેટમાં કરી પણ દીધી છે. બાકીના નાણાં ક્રમશ: આગામી વર્ષોમાં ફાળવાશે. ઓપીડી સહિતનાં વિભાગો માટેનાં મકાન માટે 17થી 18 કરોડ રૂપિયાનાં ખર્ચનો અંદાજ છે. નવું મકાન બનવાથી હોસ્પિટલમાં હાલ જે સંકળામણ જોવા મળે છે તે દૂર થશે અને વધુ સ્પેશ મળશે.

દરરોજ હજારો દર્દીઓની અવરજવર
નવસારીની સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોય દરરોજ હજારો લોકો તબીબી સેવા મેળવવા અહીં આવે છે. હોસ્પિટલમાં માત્ર ગરીબો જ નહીં આર્થિક રીતે સંપન્ન લોકો પણ સેવા મેળવવા આવે છે. કેટલાક દિવસ તો ઓપીડીનો આંક 700-800 ને પણ વટાવી જાય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે ત્યારે હાલનું જુનું મકાન ખૂબ જ નાનું પડે છે અને ભારે સંકળામણ અનુભવાતી હોય નવું મકાન બનાવવું જરૂરી થઇ પડ્યું હતું.

હાલ 10 કરોડ ફાળવાયા છે
સિવિલનું નવું મકાન પહેલા પાછળના ભાગે બનાવવાનું શરૂ કરાશે, જ્યાંનો ભાગ જમીનદોસ્ત કરી દેવાયો છે. પાછળનો ભાગ બની ગયા બાદ હાલ જ્યાં ઓપીડી વિગેરે ચાલે છે એ આગળનો ભાગ બનાવાશે. હાલ નવા મકાન અને નર્સિંગ હોસ્ટેલ પેટે પ્રથમ તબક્કામાં 10 કરોડ ફાળવાયા છે.- ડો.અનિલ કોડનાની, મુખ્ય તબીબ, અધિકારી, નવસારી સિવિલ હોસ્પિટલ

નવા બનનારા મકાનની વિશેષ ખાશિયતો
  • નવું અદ્યતન ઓપીડી બનશે.એક્સ રે, લેબોરેટરી, પીપી યુનિટ સમાવાશે.
  • ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન.
  • ક્લેરીકલ, રેકર્ડ, વિભાગોનાં સ્ટોર, મેડીકલ સ્ટોર સમાવાશે.
  • બંને બિલ્ડીંગોનો ફર્સ્ટ ફ્લોરથી જોડવામાં આવશે.
  • દિવ્યાંગો માટે સ્પેશ્યલ ટોયલેટ બનશે.
  • ફિઝીશીયન સહિતના તમામ વિભાગ અલગ બનશે.