5 March 2018

બે આખલાની લડાઇમાં અટફેટે ચડેલી વૃદ્ધાનું મોત


નવસારીની શાકમાર્કેટમાં બે રખડતાં ઢોરોની લડાઇમાં અડફેટે આવી જતાં 75 વર્ષિય વૃદ્ધાને ગંભીર ઇજા તથા તેમનું મોત નીપડ્યું હતું. જ્યારે અન્ય ત્રણથી ચાર જણાને ઇજા થઇ છે.

નવસારીની મુખ્ય શાકમાર્કેટ પાલિકા કચેરીને અડીને આવેલી છે. શાકમાર્કેટ મુખ્ય મકાનમાં થોડા વેપારીઓ તથા બહારની જગ્યામાં વધુ વેપારીઓ લારીઓ લગાવી વેપાર કરે છે. માર્કેટમાં આખોય દિવસ લોકોની અવરજવર રહે છે. લોકોની સાથે રખડતા ઢોરો પણ અહીં ફળ વિગેરે ખાવા ફરતા જોવા મળે છે.

રવિવારે સાંજના 6 વાગ્યાનાં અરસામાં દૂધિયાતળાવ રોડ બાજુના ટેકરાથી બે રખડતા ઢોર લડતા લડતા ટેકરો નીચે ઉતર્યા હતા. તેની પાછળ 7થી 8 અન્ય ઢોર પણ હતા.


આ ઝનુની બે લડતા ઢોરની અડફેટે સામેથી આવતા એક વૃદ્ધ મહિલા આવી ગયા હતા અને તે જોરથી નીચે પટકાયાં હતા. આ બનાવમાં વૃદ્ધાનાં માથાનાં, કાનનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેણીને સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

જ્યાં તેણીને મૃત જાહેર કરાયા હતા. મરનાર વૃદ્ધાનું નામ સરોજબેન નવનીતલાલ કંસારા (ઉ.વ.75) હોવાનું અને તેઓ જુના વાંદરી મહોલ્લા નવસારી ખાતે એકલા જ રહેતા હતા. ભૂતપૂર્વ નવસારી ભાજપ પ્રમુખ નીતિન કંસારાનાં તેઓ માસી થતાં હતાં.

લડતા સાંઢની અડફેટે માર્કેટમાં વધુ ત્રણથી ચાર જણા આવ્યાનું સ્થાનિક માર્કેટનાં વેપારીઓ જણાવતા હતા. જેમને પણ ઇજા થયાનું કહેવાય છે. એક ઇજાગ્રસ્ત ભરત ઠાકોર પટેલ (ઉ.વ.30) રહે.દશેરા ટેકરીને પગમાં ઇજા થતાં લાયન્સ હોસ્પિટલ ખસેડાયા હતા.