29 March 2018

વિજલપોર પાલિકાનું 164 કરોડનું બજેટ મંજૂર


વિજલપોર નગરપાલિકાનાં આગામી વર્ષ 2018-19 નાં વર્ષનાં 164 કરોડનાં કદનાં બજેટને મંજુરી આપવામાં આવી હતી. બજેટમાં 2.48 કરોડ રૂપિયાની પુરાંત દર્શાવવામાં આવી છે. વિજલપોર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આજે બુધવારે પ્રમુખ જગદીશ મોદીની અધ્યક્ષતામાં અને સીઓ રમેશ જોષીની ઉપસ્થિતિમાં મળી હતી. સભામાં મુખ્ય કામ આગામી 2018-19 નાં વર્ષના બજેટને મંજુરી આપવાનું હતુ.

અગાઉ બજેટને કારોબારી સમિતિમાં મંજૂરી અપાઇ હતી. બુધવારે સામાન્ય સભાએ મંજૂરી આપી હતી. બજેટનો વિપક્ષી સભ્ય ગંગાધર શુક્લા સહિત વિપક્ષી સભ્યોએ વિરોધ કરતાં બહુમતીથી બજેટને મંજૂર કરાયું હતુ.

બજેટની આંકડાકીય વિગતો જોતાં 164.87 કરોડની આવક સામે 162.38 કરોડનો ખર્ચ બતાવી 2.48 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાની સ્વભંડોરની આવક ઓછી છે ત્યારે મોટેભાગનાં વિકાસનાં કામો માટે સરકારની ગ્રાંટ ઉપર જ આધાર રખાયો છે. આ ગ્રાંટોમાં સૌથી મોટી આશા 14 માં નાણાંપંચની ગ્રાંટ ઉપર જ રખાયો છે. આ ઉપરાંત સર્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપીની ગ્રાંટ ઉપર પણ આશા રખાઇ છે. સ્વભંડોળના કેપીટલ વિકાસ કામો માત્ર 8.91 કરોડનાં જ દર્શાવાયા છે.

બુધવારનાં રોજ પાલિકાની સભામાં રજુ થયેલ બજેટ ઉપર વિપક્ષ સિવાય શાસક પક્ષના સભ્યોએ સહમતી દર્શાવી હતી અને ચર્ચા કરવાનું પણ ટાળ્યું હતુ. સને 2017-18 નાં વર્ષમાં બજેટનું કદ 118 કરોડ હતું જેની સામે આગામી વર્ષનાં બજેટનું કદ 164 કરોડ રખાતાં 39 ટકા કદમાં વધારો કરાયો હતો.

પાલિકાએ કેટલાક વેરામાં 10 ટકા વધારો કર્યો
વિજલપોર નગરપાલિકા દર બે વર્ષે વેરામાં વધારો કરે છે. આ પ્રથા અંતર્ગત આગામી વર્ષમાં ઘરવેરો, સફાઇવેરો, ગટરવેરો અને શિક્ષણ ઉપકર ઉપર 10 ટકા વધારો થશે. જોકે અન્ય વેરામાં વધારો નહીં થનાર હોવાનું જાણવા મળ્યું છે.

શહેરનો વિકાસ થશે
સને 2018-19 નાં વર્ષનું બજેટ સારું છે અને તેનાથી શહેરનો વિકાસ થશે. શહેરને સુંદર સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે.- પ્રકાશ પાટીલ અધ્યક્ષ, કારોબારી સમિતિ, વિજલપોર પાલિકા

નાણાંની ફાળવણી કામો માટે
  • 17.70 કરોડ આરસીસી રોડ માટે
  • 17 કરોડ ડામર રોડ માટે
  • 13.75 કરોડ બ્લોકપેવીંગ માટે
  • 05 કરોડ સોલીડવેસ્ટ મેનેજમેન્ટ માટે
  • 1.35 કરોડ ઘન કચરાની ડમ્પીંગ સાઇટ માટે
  • 01 કરોડ કચેરીનાં બિલ્ડિંગ માટે
  • 25 લાખ આંગણવાડી બાંધકામ માટે
  • 10 લાખ કૈલાશધામ સ્મશાનગૃહ
  • 05કરોડ આગવી ઓળખના કામો માટે