13 March 2018

વિજલપોરમાં કચરાની સાઈટ પર બે મૃત ગાય મળી આવતાં ગૌરક્ષકોએ સ્થળ પર PM કરાવ્યું


વિજલપોરમાં બે મૃત ગાયોને કચરાની જગ્યાએ નંખાતા રવિવારે રાત્રે ભારે હોબાળો થયો હતો. કચરાના સ્થળે વિવાદ વધતા પોલીસ બોલાવી પડી તથા પોસ્ટમોર્ટમ સુદ્ધા કરવાની ફરજ પડી હતી. વિજલપોરમાં આખા શહેરનો કચરો અહીંની પાલિકા ઘરેઘરેથી ઉઘરાવે છે અને શહેરની પૂર્વબાજુએ આવેલા ડોલી તળાવ નજીક ઠાલવે છે. જ્યાંથી કચરો અન્યત્ર નિકાલ કરવામાં આવે છે. ગત રવિવારની રાત્રિએ 9થી 10 વાગ્યાના અરસામાં કચરાની સાઈડે બે ગાયો મૃત્યુ પામેલી જોવા મળી હતી. આ વાતની રાત્રિના સમયે લોકોને જાણ થતાં ોબાળો મચ્યો હતો. થોડાસમયમાં લોકો એકત્ર થઇ ગયા હતા અને સ્થળ પર ગાયના મૃતદેહનું પીએમ કરાયું હતુ.

એક ગાયનું કુદરતી તથા બીજીનું અખાદ્ય પદાર્થથી મોત

આ વાત કચરાની સાઈટ નજીક રહેતા કેટલાક લોકો તથા ગૌરક્ષકોને ખબર પડતા સ્થળ ઉપર લોકો ભેગા થઈ ગયા હતા. મૃત ગાય નજીક કચરો હતો અને આ કચરામાંથી ધુમાડો આવતા કેટલાક લોકો ઉશ્કેરાયા હતા. સ્થળ ઉપર ભેગા થયેલા લોકોમાં તરહતરહની શંકા થઈ હતી. બે બે મૃત ગાયોને કચરાની સાઈટે નાંખી તેના ઉપર કચરો નાંખી દેવાની વાતે લોકોમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. તાબડતોડ વિજલપોર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીને સ્થળ ઉપર બોલાવાયા હતા. જેને ઉગ્ર રજૂઆતો થઈ હતી. વિજલપોર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.

એક વર્ગ તો ત્યાં સુધી કહેતો હતો કે એક ગાય તો જીવિત હતી અને તે કચરાની સાઈટમાં મૃત્યુ પામી હતી. તરહતરહની શંકા-કુશંકાઓનો દોર ચાલ્યો હતો. રાત્રે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ગરમાગરમી ચાલી હતી. ગાયના મૃત્યુનુ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવાની માગ થતા સોમવારે બંને ગાયનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક ગાયનું મૃત્યુ તો કુદરતી જ થયું હતું. જ્યારે બીજી ગાયનું મૃત્યુ પણ અખાદ્ય વસ્તુ ખાઈ કુદરતી થયાની પ્રાથમિક જાણકારી બહાર આવી છે. શંકાસ્પદ મૃત્યુ થયું ન હતું.

રવિવારે રાત્રે ડોલી તળાવ પાસે મૃત ગાય મળતા સ્થળ પર પોલીસ બોલાવી મામલો થાળે પાડવામાં આવ્યો
અહીં ઉલ્લેખનીય છે કે ગાયના મૃત્યુ અંગે વિજલપોર પોલીસ મથકમાં લાશાનગરના રહીશ ભીમપ્પા લક્ષ્મણ ધનગરે જાણવા જોગ ફરિયાદ આપતા પીએસઆઈ એસ.ડી. સાળુંકેએ તપાસ હાથ ધરી હતી.શંકા દૂર કરાવવા પોસ્ટમોર્ટમ વિજલપોરમાં કચરાની સાઈટે પાલિકાએ મૃત ગાયો ન નાંખી હોવાની જાણકારી છે. જીવિત ગાય મૃત્યુ પામી હોવાની વાત ખોટી છે. જોકે શંકા-કુશંકા દૂર કરવા પોસ્ટમોર્ટમ પણ કરાવાયું છે. - જગદીશ મોદી, પ્રમુખ, વિજલપોર પાલિકા

કચરાના વિરોધનું રાજકારણ ?
વિજલપોરમાં રવિવારની ગાયની ઘટના અંગે તરહતરહની ચર્ચા શરૂ થઈ છે. એક ચર્ચા એવી છે કે પાલિકા ડોલી તળાવ નજીક કચરો નાંખે છે તેનો ઘણાં વિરોધ કરે છે. જેમાંના કેટલાક મૃત ગાયને ઈસ્યુ બનાવી પાલિકાને ટાર્ગેટ કરી છે. આ ઈસ્યુ વધુ વકરે તો પાલિકાની કચરાની સાઈટ બદલવી પડે એવું કેટલાય ઈચ્છે છે.

કચરામાં નાંખવી ન જોઈએ
ગાય સાથે કરાયેલા વ્યવહાર યોગ્ય નથી. કચરામાં ગાયોને આવી રીતે નાંખવી ન જોઈએ. અમે કોઈ ઉપર આંગળી ચીંધતા નથી. -ભીમપ્પા ધનગર, પોલીસ ફરિયાદી, વિજલપોર

નિષ્પક્ષ તપાસ જરૂરી
વિજલપોરની ઘટના બાબતે જવાબદારી નક્કી થવી જોઈએ. પોલીસે નિષ્પક્ષ તપાસ કરી તથ્ય બહાર લાવવું જોઈએ. - મોહિત હિરાની, ગૌરક્ષક, નવસારી