4 April 2018

વન-વેની મુદત પૂરી છતાં લોકોને ચકરાવા


નવસારી શહેરમાંચાંદની ચોકથી ગોલવાડ અને કંસારવાડથી ટાઉન ચોકી સુધીના રોડ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરાયો હતો

આ અંગે લોકોની પોલીસ તથા પાલિકામાં અવારનવાર થયેલી રજૂઆતો તથા પોલીસ લોકદરબારમાં અગ્રણીઓની ટ્રાફિક સમસ્યા હલ કરવા ભારપૂર્વક રજુઆતો થઇ હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઇ જિલ્લા મેજીસ્ટ્રેટની રૂએ કલેક્ટર રવિ અરોરાએનાં ટ્રાફિક સમસ્યા હલ કરવા કેટલાક જાહેરનામાં બહાર પાડ્યા હતા. જેમાં તા.25.1.2018 નાં રોજ નવસારી શહેરનાં બે માર્ગોને વન-વે પણ જાહેર કર્યા હતા. જેમાં ચાંદની ચોક સર્કલથી ગોલવાડ ગેટ સુધી અને કંસારવાડ નાકાથી ટાઉન પોલીસ સ્ટેશનના માર્ગ ઉપર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકાયો હતો.

જિલ્લા મેજીસ્ટ્રેટ નવસારીએ બહાર પાડેલા આ વન-વે નાં જાહેરનામાની મુદત તા.25.1.2018 થી તા.25.3.2018 રખાઇ હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ વન-વે નાં જાહેરનામાંની મુદત 25મી માર્ચે પુરી થઇ ગઇ છે અને આજે 9 દિવસ વીતી ગયા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ ત્યારબાદ ફરીવાર માર્ગને વન-વે ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું નથી. આમ છતાં હજુય ચાંદની ચોક સર્કલ નજીક ‘પ્રવેશ પ્રતિબંધ’ ના બેરેક સાથે બોર્ડ લટકેલા જોવા મળે છે. આવી જ રીતે કંસારવાડ નાકે પણ પ્રવેશ પ્રતિબંધનું બોર્ડ હજુય લટકેલા જોવા મળે છે. આ બોર્ડ હજુ ય એવું સૂચવે છે કે વન-વે જારી છે, હકીકત આમ નથી કારણ કે જાહેરનામાની મુદત 25મી માર્ચે પૂર્ણ થઇ છે અને નવું જાહેરનામું બહાર પડ્યું નથી લોકોને વન-વે અંગે ગેરમાર્ગે દારે છે અને હાલ જાહેરનામું અમલમાં ન હોવા છતાં ઉક્ત માર્ગો ઉપરથી વાહનચાલકો અવરજવર કરવામાં ખંચકાય છે યા કરતા નથી.

હેવી વ્હીકલ અંગે પૂન: જાહેરનામું બહાર પડાયું 
જિલ્લા મેજીસ્ટ્રેટે વન-વેની સાથે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂક્તું જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આ ભારે વાહનો અંગેના જાહેરનામાની મુદત 25મી માર્ચે પૂરી થતાં પૂન: 25મીએ નવું જાહેરનામું બહાર પાડી દેવાયું હતું. ભારે વાહનોની અવરજવર અંગેના આ નવા જાહેરનામાની મુદત 25મી મે સુધી રખાઇ છે. આ નવા જાહેરનામામાં લોકોની રજુઆતો ધ્યાને લઇ અગાઉના જાહેરનામાં કરતાં સુધારા કરાયા છે. જોકે વન-વે અંગે નવું જાહેરનામું હજુ બહાર પડાયું નથી છતાં પ્રવેશ પ્રતિબંધના બોર્ડ લટકે છે.

વન-વે કાઢવાની રજૂઆત થઇ હતી 
નવસારીમાં બે માર્ગોને વન-વે જાહેર કરાતાં ચાંદનીચોક, ગોલવાડ વિસ્તારનાં વેપારીઓએ કલેક્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વેપારીઓએ ચાંદનીચોક-ગોલવાડ માર્ગને વન-વે જાહેર કરવાથી તેમનાં ધંધાને થયેલ નુકસાની તથા લોકોને પડતી મુશ્કેલીની રજૂઆત કરી આ વન-વેનો આદેશ દૂર કરવા જણાવ્યું હતુ.