10 April 2018

નવસારી નગરપાલિકા કચેરીએ રોજબરોજ પાણી માટે મોરચા


નવસારીમાં પાણીની બૂમરાણને લઈ વિવિધ વિસ્તારોમાંથી પાલિકામાં લોકોના મોરચાઓ આવી રહ્યા છે. ગુરૂવારે લંગરવાડ વિસ્તારમાંથી, શનિવારે વસંતવિહાર સોસાયટીમાંથી અને આજે સોમવારે અલીફનગરમાંથી લોકોનો મોરચો પાલિકા કચેરીએ આવ્યો હતો.

નવસારીમાં શહેરીજનોને પૂરો પડાતો પાણીનો પુરવઠો નહેરના પાણી ઉપર આધારિત છે. ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોય શહેરને પણ પાણી પુરવઠો ઓછો મળી રહ્યો છે. જેને લઈને પાલિકા શહેરીજનોને બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ પાણી આપી રહી છે. એક ટાઈમ પાણી તો અપાઈ રહ્યું છે પરંતુ કેટલાક વિસ્તારમાં તો પૂરતા જથ્થામાં પાણી મળતું નથી. આવા વિસ્તારમાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે અને પાલિકા કચેરીએ રજૂઆત કરવા લોકો આવી રહ્યા છે.

નવસારીના વોર્ડ નં. 10માં આવેલા લંગરવાડના લોકોનો મોરચો ગુરૂવારે પાલિકા કચેરીએ આવ્યો હતો. આ લોકોની રજૂઆત હતી કે એક ટાઈમ પણ પૂરતું પાણી મળતુ નથી. અપૂરતા પાણીની સાથે ગંદુ પાણી આવતું હોવાની પણ રજૂઆત કરી હતી. શનિવારે વોર્ડ નં. 11મા આવેલા વસંતવિહારના લોકો પાલિકા કચેરીએ આવ્યા હતા. અહીંના લોકોની રજૂઆત એ હતી કે પાણી ઓછું આવે છે, જેથી જરૂરિયાત મુજબનું પાણી મળતું નથી. સોમવારે વોર્ડ નં. 11ના અલીફનગર વિસ્તારની મહિલાઓનો મોરચો પાલિકા કચેરીએ આવ્યો હતો. અહીંના કેટલાક ઘરોમાં ઓછુ પાણી આવે છે તો કેટલાક ઘરોમાં ‘ટીપુ’ પાણી પણ આવતું નથી.

પાલિકાની લોકોને ફરી અપીલ
નવસારી શહેરમાં પાણીની સમસ્યા વકરી છે ત્યારે પાલિકાના જવાબદારો લોકોને ‘અપીલ ઉપર અપીલ’ કરી રહી છે. સોમવારે પાલિકાના પ્રમુખ, સીઓ અને વોટરવર્કસ કમિટીના ચેરમેને ફરી જણાવ્યું છે કે હાલમાં પાણીની સમસ્યાને લઈને એક જ ટાઈમ પાણી આપવાની ફરજ પડેલી છે. જેથી આ સ્થિતિમાં પાણીનો બગાડ ઓછો કરી પાણીની બચત કરી પાલિકાને સાથ અને સહકાર આપવા લોકોને અપીલ છે.