11 April 2018

રેલવે ટિકિટબારી, રીઝર્વેશનની જગ્યા બદલાતા મુશ્કેલી


ફ્રેઇટ કોરીડોરને લઇને નવસારી રેલવે સ્ટેશને પૂર્વ બાજુએ ટિકીટ બારી અને રીઝર્વેશન સેન્ટરની જગ્યા બદલાતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

નવસારીમાં રેલવે સ્ટેશનની પૂર્વ બાજુએ જકાતનાકા નજીક ટિકીટ બારી અને રીઝર્વેશન સેન્ટર હતુ. જોકે પૂર્વ બાજુએ રેલવેનાં ફ્રેઇટ કોરીડોર પ્રોજેક્ટ અમલી બનાવાનો હોઇ ઉક્ત ટિકીટ બારી અને રીઝર્વેશન સેન્ટરની જગ્યા બદલવી પડી છે.

હવે રેલવેએ જુની જગ્યા ઉપરથી ટિકીટબારી અને ટિકીટ રીઝર્વેશન સેન્ટર બંધ કરી રેલવે યાર્ડમાં ખંભાત સો મીલની સામે નવું મકાન બનાવી ત્યાં શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી જગ્યા બદલવામાં આવી છે. જોકે જગ્યા બદલાવાથી મુસાફરો, આમજનતાની મુશ્કેલી વધી હોવાની જાણકારી મળી છે. યાર્ડનો રસ્તો ખૂબ જ સાંકળો છે ત્યાં આખો દિવસ ઢોરની અવરજવર જારી રહે છે. દબાણ પણ હોવાથી સાંકડી જગ્યામાં લોકોને મુશ્કેલી પડે છે. રિક્ષા ચાલકોને પણ તકલીફ પડે છે. ખાસ કરીને રાત્રીના સમયે તો મુસાફરોને અંધકારયુક્ત જગ્યામાં ચોરી-લૂંટનો પણ ભય રહે છે.

દબાણ પાલિકાની હદમાં થયું 
આ મુદ્દે નવસારી રેલવે માસ્તર એન.સી.સેન એ જણાવ્યું કે, ટિકીટ બારી નજીકની જગ્યા ઉપર દબાણ રેલવેની હદમાં નથી પરંતુ પાલિકાની હદમાં છે, પાલિકાએ પગલા લેવાનાં છે. અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે રીક્ષાચાલક એસોસીએશને પણ ટિકીટ બારી, આરક્ષણ સેન્ટરની નવી જગ્યાએ પડતી મુશ્કેલીની રજૂઆત કરી હતી.