12 April 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રથમ ‘વળતર’ની નીતિ સ્પષ્ટ કરો


નવસારીમાં મળેલી ખેડૂત સંઘર્ષ સમિતિની બેઠકમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવા સરકારને સૌપ્રથમ વળતરની નીતિસ્પષ્ટ કરવાની માંગ કરાઇ હતી.

નવસારી પંથકના આગેવાન વિનોદ દેસાઇ (સી.એ) ની ઉપસ્થિતિમાં બુધવારે બુલેટ ટ્રેન ખેડૂત સંઘર્ષ સમિતિની બેઠક અનાવિલ સંસ્કાર ટ્રસ્ટમાં મળી હતી. બેઠકમાં ખેડૂત પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સરકારની નીતિ, ખાસ કરીને જમીન સંપાદન કરવા અંગે શરૂ થયેલ પ્રક્રિયા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જંત્રીના આધારે વળતરની ચૂકવણીનો ધરાર વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે જંત્રી તા.8.4.11 નાં રોજ નિર્ધારિત થયાં બાદ છેલ્લા 7 વર્ષથી વધારાઇ નથી જેથી વાસ્તવિક નથી. જે રીતે મહારાષ્ટ્રમાં ‘વન ટુ વન નેગોશીએબલ’ દ્વારા કિંમત નક્કી થાય છે તે કરવું જોઇએ. અસરગ્રસ્ત દરેક ગામડાંની ‘રીયલ માર્કેટ વેલ્યું’ ધ્યાને લઇ વળતર નક્કી કરવું જોઇએ જો ખેડૂતોને વિશ્વાસમાં લઇ ‘વાસ્તવિક વળતર’ ચુકવાય તો નવસારી જિલ્લાનાં ખેડૂતો સહકાર આપવા તૈયાર હોવાનું જણાવાયું હતુ. સરકાર દ્વારા જે મિટીંગોનો, બેઠકોનો દોર વળતરની પોલીસી નક્કી કર્યા વગર જ શરૂ કરી દેવાયો તેનો વિરોધ કરાયો હતો, પ્રથમ વળતરની નીતિ સ્પષ્ટ કરો!

બેઠકમાં સરકારની બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં વિલંબિત નીતિ હોવાનો મત વ્યક્ત થયો હતો. તા.5.9.2017 નાં રોજ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત થયું અને આજે 7 મહિના થઇ ગયા છતાં વળતરની ચૂકવણી સહિતના અનેક મુદ્દે સ્પષ્ટતા નથી. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે નવસારી જિલ્લાનાં ધારાસભ્યો, સાંસદ પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવો ‘સૂર’ વ્યક્ત કર્યો હોવાનું જણાવ્યું હતુ.

પરામર્શ મિટિંગ છેલ્લી ઘડીએ રદ 
હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન) માટે નિયુક્ત એજન્સી આર્કાડિસ ઇન્ડિયા પ્રા. લી.દ્વારા તા.11.4.2018 નાં રોજ એક પરામર્સ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રોજેક્ટ સાથે સંકળાયેલાઓને હાજર રહેવા જણાવાયું હતું. જો કે છેલ્લી ઘડીએ આ મિટીંગ રદ કરી દેવાઇ હતી. મિટીંગ રદ કરવા માટેનું કારણ આધિકારીક જાણી શકાયું ન હતુ. પરંતુ તંત્ર પ્રોજેક્ટ માટે ખેડૂતોને અંધારામાં રાખી રહી હોય તથા ‘વળતર’ ની નીતિ સ્પષ્ટ ન કરી હોય બેઠકમાં ખેડૂતો ભારે વિરોધ કરે એવી શક્યતા હતી. જેને લઇને બેઠક રદ કરાયાની ચર્ચા ચાલી રહી છે.