17 April 2018

નવસારી નગરપાલિકામાં ત્રણ દાયકાથી ટી.પી. અમલીકરણ ટલ્લે


નવસારી નગરપાલિકામાં 30 વર્ષ અગાઉ બનાવાયેલી ચાર ટાઉન પ્લાનિંગ સ્કિમનું આજદિન સુધી અમલીકરણ કરાયું નથી. તેના કારણે શહેરના વિકાસ માટે જરૂરી ટી.પી. સ્કિમના માર્ગો ઉપર દબાણ શરૂ થઈ ગયું છે. નવસારી એસોસિએશન ઓફ આર્કિટેકટ એન્જિનિયર્સ એન્ડ બિલ્ડર્સ દ્વારા નવસારી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.

ટી.પી. સ્કિમના અનેક રસ્તાઓ ઉપર દબાણ પણ થઈ ગયા છે, પાલિકા સીઓને રજૂઆત કરતા આર્કિટેક્ટ અને બિલ્ડરો 
નવસારી શહેરને વિકસાવવા માટે વર્ષ 1984માં ચાર ટાઉન પ્લાનિંગ સ્કિમ તૈયાર કરવામાં આવી હતી. એક પછી એક આ સ્કિમના આધારે શહેરના વિકાસ માટે જરૂરી કામગીરી નવસારી પાલિકાના સત્તાધિશોએ કરવાની હતી પરંતુ ત્રણ દાયકા એટલે કે 30 વર્ષ થવા છતાં પાલિકાના સત્તાધિશો આ કામગીરી પાર પાડવામાં ઉણા ઉતર્યા છે.

જેના કારણે આ ટીપી સ્કિમની મહત્ત્વપૂર્ણ જગ્યાઓ કે રસ્તા ઉપર દબાણ ઉભુ થઈ ગયું છે એટલે સુધી કે આ દબાણ દૂર કરવામાં નવસારી પાલિકાના સત્તાધિશો સફળ રહ્યા નથી. તેથી જ નગરપાલિકાના ટી.પી. સ્કિમના મોટાભાગના રસ્તાનો વિકાસ થયો નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટની સુવિધા પણ નથી. જો ટીપી સ્કિમના રસ્તા ખુલ્લા કરવામાં પણ પાલિકા સત્તાધિશોને વર્ષો વિતી ગયા છે તો નૂડાની કામગીરી શક્ય થશે કે કેમ  એવા સવાલો પણ ઉભા થયા છે.

નવસારી પાલિકામાં શહેરને વિકસાવવા માટે ચાર ટી.પી. સ્કિમ તૈયાર થયા બાદ કોઈ અમલ થયો નથી.

ટી.પી. સ્કિમના મોટાભાગના રસ્તા ઉપર દબાણ
ટી.પી. સ્કિમમાં આવતા સરસ્વતિમાતાના મંદિરથી અલીફનગરના વિસ્તારમાં, પ્રતિક્ષા સોસાયટીથી તીઘરા તરફ જતા રોડ ઉપર, રિંગરોડ ઉપર દબાણ શરૂ થઈ ગયા છે. જેને લઈ આગામી સમયમાં વિવાદની સંભાવના છે.

રસ્તા ખુલ્લા થાય તો ટ્રાફિકની સમસ્યા ઘટશે 
નવસારીમાં આવતા ટીપી સ્કિમના રસ્તાઓ ઉપરનું દબાણ દૂર કરવામા આવે તો વધતી જતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી શક્યતા છે. શહેરના મોટાભાગના રસ્તાપરનું દબાણ દૂર થતા લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા થશે. જેથી રાજમાર્ગો પર ટ્રાફિક ભારત ઘટશે.

નવસારીના સર્વાગી વિકાસ માટે રજૂઆત કરાઈ 
નવસારી એસોસિએશન ઓફ આર્કિટેકટ એન્જિનિયર્સ એન્ડ બિલ્ડર્સ દ્વારા નવસારી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ટીપી સ્કિમનું અમલીકરણ કરવા અનુરોધ કરાયો છે અને એ વિસ્તારમાં સુવિધા પૂરી પાડવા સૂચન કરી શહેરના સર્વાગી વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે.

રસ્તા ખુલ્લા કરીશું 
નવસારીમાં ટી.પી. સ્કિમના જે રસ્તાઓ છે તે આગામી દિવસોમાં ખુલ્લા કરીશું. જે ઝૂંપડાઓ છે એના રહીશોને હાઉસિંગ સ્કિમમાં ઘર આપી સમાવી લેવાશે. રમેશ જોષી, સીઓ, નવસારી પાલિકા

ટી.પી. સ્કિમો 
ટી.પી. સ્કિમ નં. 1: શાંતાદેવી રોડ, સ્ટેશન વિસ્તાર
ટી.પી. સ્કિમ નં. 2 : પારસી હોસ્પિટલની સામેનો વિસ્તાર
ટી.પી. સ્કિમ નં. 3 : તીઘરા રોડ વિસ્તાર
ટી.પી. સ્કિમ નં. 4 : સિંધી કેમ્પ તથા તેની નજીકનો વિસ્તાર