19 April 2018

નવસારીમાં કેરીના ભાવ, કેસર 1951, આાફૂસ 1405!


નવસારીની માર્કેટમાં ફળોના રાજા તરીકે ઓળખાતા કેરીનો જથ્થો ઠલવાવા માંડ્યો છે. ગત સાલની સરખામણીએ કેરીનો ભાવ હાલનાં સમયે સરેરાશ દોઢથી પોણા બે ગણા બોલાઇ રહ્યો છે. ચાલુ સાલ કેરીનો પાક ઓછો હોવાથી ભાવ વધુ બોલાઇ રહ્યાની જાણકારી બહાર આવી છે. મે માસમાં વધુ પ્રમાણમાં કેરી એપીએમસીમાં હરાજી માટે આવે ત્યારે ખરા ભાવની ખબર પડશે.

પાક ઓછો હોવાથી લોકોને કેરીનો રસ ખૂબ મોંઘો પડશે એ નક્કી
નવસારી-જલાલપોર તાલુકામાં ઘણા ખેડૂતો કેરીનો પાક લે છે. આ બે તાલુકામાં અંદાજે 7થી 8 હજાર હેક્ટર જમીનમાં કેરીનો પાક લેવામાં આવે છે. મોટી સંખ્યામાં ખેડૂતોની આર્થિક ઉપાર્જનનો આધાર કેરી ઉપર જ હોય છે. આ ખેડૂતોમાં કેટલાક જાતે કેરીનો પાક ઝાડ ઉપરથી ઉતારે છે તો ઘણા અન્યોને આપી દે છે. નવસારી પંથકની વાત કરીએ તો અહીંની એપીએમસી માર્કેટમાં મોટેભાગનો કેરીનો જથ્થો નવસારી-જલાલપોર તાલુકામાંથી ઠલવાય છે. ત્રીજી એપ્રિલથી ધીમી ગતિએ કેરી આવવાની શરૂઆત થઇ હતી.

હવે એપ્રિલથી મધ્યે કેરી પ્રમાણમાં સારી આવી રહી છે. 17મી એપ્રિલે 2 હજાર મણ કેરી ઠલવાઇ હતી. આ ઠલવાતી કેરીની હરાજી માર્કેટમાં થાય છે અને ભાવ બોલાય છે. ચાલુ સાલ સૌથી ઉલ્લેખનીય બાબત કેરીના બોલાતા ભાવ છે. હાલ માર્કેટમાં 20 કિલો કેસરના ભાવ 920થી લઇ 1951 (લગભગ 2 હજાર) રૂપિયા બોલાઇ રહ્યાં છે તો હાફુસના ભાવ પણ 1110 થી લઇ 1405 રૂપિયા સુધીના બોલાઇ રહ્યાં છે. આ માત્ર બે જ જાતની કેરીના ભાવ નહીં પરંતુ મોટેભાગની કેરીના ભાવ ‘ટાઇટ’ છે. ગત વર્ષે એપ્રિલનાં મધ્યે કેરીના જે ભાવ હતા તેની સરખામણીએ ચાલુ સાલ ભાવ દોઢથી પોણા બે ગણા બોલાઇ રહ્યાં છે. એક બાબત તો સ્પષ્ટ થઇ ચૂકી છે કે કેરીનાં ભાવ ચાલુ સાલ વધુ રહેશે તેથી આમ જનતાને પણ કેરીનો રસ મોંઘો (યા ભાવની રીતે કડવો) પડશે એ નક્કી છે.

30 ટકા જ પાક છે
ગત સાલની સરખામણીએ ચાલુ કેરીનો પાક ઝાડ ઉપર 30 ટકા જેટલો જ દેખાય છે તેનું મુખ્ય કારણ વાતાવરણમાં અચાનક આવતા ફેરફાર છે. વાદળછાયા વાતાવરણથી જીવાત ઉત્પન્ન થાય છે, જેને ઘણા કંટ્રોલ કરી શક્યા નથી.- સંજય નાયક, પ્રગતિશીલ ખેડૂત, ગણદેવા

પાક ઓછો એટલે ભાવ વધુ
ચાલુ સાલ પાક જ ઓછો છે તેથી ભાવ વધુ છે અને રહેશે. કેરીની વાડી રાખતા વેપારીઓની સ્થિતિ કફોડી છે. માલનો ઉતાર જ નથી. જ્યાં 800 મણની ધારણા હતી ત્યાં માંડ 200 મણ ઉતરે છે. હાલ અહીંથી કેરીનો જથ્થો સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી તથા સ્થાનિક માર્કેટમાં જાય છે.- કનૈયાલાલ હીરાણી, વેપારી એપીએમસી માર્કેટ

પાછળથી ભાવ ઉતરશે
ગત વર્ષ કરતાં પાક ઓછો હોઇ ભાવ વધુ છે પરંતુ મારા મતે હાલ જે ભાવ બોલાઇ રહયા છે તેની સરખામણીમાં ભાવ પાછળથી ઉતરશે. આશિષ નાયક, ચેરમેન, એપીએમસી, નવસારી