20 April 2018

ચોરી કરવા જતી ત્રણ મહિલા ઝડપાઇ


નવસારીમાં મોટાબજાર કંસારવાડ નાકે આવેલ અંજની જ્વેલર્સની દુકાનમાં ત્રણ બુરખાધારી મહિલાઓ સોના ચાંદીની ખરીદી કરવાને બહાને રૂ.27,000 ની કિંમતના સોનાના પેન્ડલની ચોરી કરવાનો પ્રયાસ કરતા રંગે હાથ ઝડપાઇ ગઇ હતી.

નવસારીમાં મોટાબજાર વિસ્તારમાં સોના ચાંદીની દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં કંસારવાડ નાકે અંજની જ્વેલર્સના નામે સોના ચાંદીની દુકાન ચલાવતા મોહનભાઇ શાંતીલાલ સોનીને ત્યાં બપોરે 1.30 કલાકની આસપાસ ત્રણ બુરખાધારી મહિલા ખરીદી અર્થે આવેલી હતી એ દરમિયાન ત્રણ પૈકી એક મહિલાએ પિવાના પાણીની માંગણી કરતા દુકાન ઉપર હાજર મોહનભાઇ સોની પાણી લેવા ગયા હતા આ તકનો લાભ લઇ એક મહિલાએ દુકાનના કાચના ડ્રોવરમાં હાથ નાંખી રૂ.3 હજારની કિંમત લેખે 9 ગ્રામ વજનના 9 જેટલા પેન્ડલ મળી કુલ રૂ.27,000 નાં સોનાના પેન્ડલ બોક્ષ સાથે તફડાવાનો પ્રયાસ કર્યો હતો.

એ દરમિયાન સોનીએ તે બુરખામાં સંતાડવા જતા જોઇ લેતા ત્રણે મહિલાએ એક પછી એક આ પેન્ડલનું બોક્ષ એકબીજાને આપી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિસ્થિતિ પામી ગયેલા સોનીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરી ત્રણેને ઝડપી લઇ પોલીસને હવાલે કરી હતી. ત્રણેની પૂછતાછ કરતા તાયરા તાહીર મોહમંદ શેખ (રહે કમાલપોર ધોલીયા મહારાષ્ટ્ર) બીજી રસીદા અબ્દુલ સલીમ અંસારી, (માલેગામ નાશીક) તથા ત્રીજી નુરજહાબાનુ મંજુર અહેમદ અંસારી (માલેગામ, નાશીક) હોવાનું જાણવા મળ્યું હતુ.