21 April 2018

જ્વેલર્સને ત્યાં ચોરી કરનાર બુરખાધારી મહિલાઓ સામે વધુ એક ગુનો નોંધાયો


નવસારીમાં મોટાબજારમાં કંસારવાડના નાકે આવેલી અંજની જ્વેલર્સમાં ચોરીનો પ્રયાસ કરતા ઝડપાયેલી ત્રણ બુરખાધારી મહિલાઓએ અન્ય એક જ્વેલર્સને ત્યાં પણ રૂ. 40 હજારની કિંમતના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ટાઉન પોલીસે ત્રણેય સામે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવસારીમાં મોટાબજારમાં કંસારવાડમાં અંજની જ્વેલર્સના માલિકને પાણી પીવાનું બહાનુ કહી ગ્રાહકના સ્વાંગમાં આવેલી બુરખાધારી મહિલાઓ તાયરા શેખ, રસીદા અંસારી અને નુરજહાબાનું અંસારીએ રૂ. 27 હજારના દાગીનાની ચોરી કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઝડપાઈ જતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

જોકે આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાઈ હતી પરંતુ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા ન હતા. એ દરમિયાન શહેરમાં વધુ એક જ્વેલર્સને ત્યાં આ મહિલાઓએ ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

ટાવર પાસે વનવેમાં અજીબા જ્વેલર્સ નામે દુકાન ચલાવતા યુસુફ ગુલુફવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ત્રણેય મહિલાઓએ તેમની દુકાનમાંથી 16મી એપ્રિલે ડિસ્પ્લેટ્રેમાં રાખેની સોનાની 8 બુટ્ટી, ચાર પેન્ડન્ટ તથા કાઉન્ટરના ખાનામાંથી ત્રણ સોનાના પાણી ચઢાવેલા ઈમિટેશનવાળી ચેઈન મળી કુલ રૂ. 40 હજારની ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.