26 April 2018

નવસારીમાં રિંગ રોડ આડેના ડિમોલિશનમાં પાલિકાની નિષ્ફળતા


નવસારીમાં રીંગરોડ આડેનાં ચાર મકાનોનું ડીમોલીશન કરવા ગયેલ પાલિકા તંત્રએ વીલે મોંઢે પાછું ફરવું પડ્યું હતુ. સ્થળ ઉપર રહેવાસી તથા કોંગ્રેસી કોર્પોરેટરોએ વિરોધ કરતા તથા પોલીસ બંદોબસ્ત પણ ન હોય ડીમોલીશનમાં નિષ્ફળતા મળી હતી. આ પ્રોજેકટ લાંબા સમયથી અધૂરો છે. પાલિકાના સત્તાધીશો આ રીંગ રોગ ક્યારે પૂર્ણ કરશે એ અંગે લોકોમાં પણ ચર્ચાઓ થઇ રહી છે.

4 ઘરોનું ડીમોલીશન કરવા બુધવારે કાશીવાડી ગયો હતો
નવસારી પાલિકાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રીંગરોડ છે. 2007થી આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાયા બાદ 11 વર્ષ થવા છતાં કુલ 3.8 કિલોમીટરનાં રોડમાંથી વિરાવળ નાકાથી ભેંસતખાડા સુધીનો માત્ર 800 મીટરનો માર્ગ જ પાલિકા શરૂ કરી શકી છે. હવે બીજા તબક્કામાં પ્રકાશ ટોકીઝથી વિરાવળ નાકા સુધીનાં 2.6 કિલોમીટર માર્ગને બનાવવાની શરૂઆત પાલિકાએ કરી છે. 2.6 કિ.મી.નાં વિરાવળ-પ્રકાશટોકીઝનાં રીંગરોડને લાગુ કાશીવાડીમાં ચાર ઘરો છે.


આ ચાર ઘરો દબાણમાં હોવાનું કારણ આપી પાલિકાનો સ્ટાફ જેસીબી સાથે ડીમોલીશન કરવા પહોંચ્યો હતો. ડીમોલીશન થવાની ખબર પડતાં જ કોંગ્રેસનાં ચાર કોર્પોરેટરો ઇકબાલ ઉસ્માની, મેહુલ ટેલર, પિયુષ ઢીમ્મર અને અયાઝ શેખ પહોંચી ડીમોલીશનનો વિરોધ કર્યો હતો. તેઓનાં જણાવ્યા મુજબ પાલિકા વગર નોટિસે ડીમોલીશન કરે એ ખોટું છે. પાલિકાનો સ્ટાફ ઉચ્ચ અધિકારી આવ્યા ન હોઇ નિર્ણય લઇ શક્યા ન હતા. આખરે વીલા મોંઢે ડીમોલીશન કર્યા વિના જ પાલિકાનો સ્ટાફ પરત ગયો હતો.

અસરગ્રસ્તોની કલેક્ટરને રજૂઆત
નવસારીમાં રીંગરોડ આડેના ઘરોનું ડીમોલીશન કરવા પાલિકા તંત્ર ગયા બાદ અસરગ્રસ્ત ઉક્ત ઘરોનાં રહીશોએ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. કાશીવાડીના મસ્તાનખાન બાબરખાન પઠાણના નામે કરાયેલ રજૂઆતમાં જણાવ્યું કે કાશીવાડીમાં તેઓનાં ઘરો વગર નોટિસે ગેરકાયદે રીતે તોડવા પાલિકાનાં અધિકારીઓ આવ્યા હતા. આવીને ઘરની બહાર નીકળવા કહેતા ન નીકળ્યો તો મશીન ચલાવી દેવાની ધમકી આપી હતી. પાલિકા દ્વારા તેઓને શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યાંનું જણાવી ન્યાય ન મળે તો ભૂખ હડતાલ ઉપર ઉતરશે એમ પણ જણાવ્યું હતુ.

નોટિસ વગર ન તોડાય
પાલિકા જે દબાણની વાત કરે છે એ ઘરો પ્રાઇવેટ જગ્યા ઉપર છે. તેને વગર નોટિસે તોડવા જાય તે યોગ્ય નથી. જ્યારે પાલિકા રૂસ્તમવાડીમાં 40-45 ઘરો તોડે ત્યારે તેઓને સરકારી આવાસમાં જગ્યા ફાળવે ત્યારે આ લોકોને પણ જગ્યા ન ફાળવી શકાય ? માનવતાના ધોરણે પણ કોઇને આમ ઘરવિહોણા ન કરાય! - અયાઝ શેખ કોર્પોરેટર, નવસારી પાલિકા

પોલીસ બંદોબસ્ત સાથે દબાણતોડવામાં આવશે
રીંગરોડ પૈકીની જગ્યામાં જે દબાણ છે તે આજે પોલીસ બંદોબસ્ત ન હોવાથી તોડી શકાયું ન હતું . હવે પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવશે. આવા કેસોમાં નોટિસ આપવાની ન હોય! - રમેશ જોષી સીઓ, નવસારી પાલિકા