28 April 2018

રિંગરોડના દબાણના ડિમોલિશન પર 'બ્રેક'


નવસારીના બહુચર્ચિત રીંગરોડના રોડ આડેના કથિત દબાણને દૂર કરવામાં ઉતાવળા થયા બાદ શાસકોને બ્રેક મારવાની ફરજ પડી છે. શુક્રવારે આ મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટરો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક તડાફડી પણ થઇ હતી. વિરાવળથી જૂનાથાણા તરફ જતો માર્ગ 11 વર્ષ અગાઉ બની ગયો છે. પરંતુ વિરાવળથી પ્રકાશ ટોકિઝ સુધીનો માર્ગ આટલા વર્ષોથી અટવાયો છે.

પાલિકાના કોંગ્રેસી કોર્પોરેટરો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક તડાફડી પણ થઇ
નવસારી પાલિકાનો હાલનો સૌથી મહત્વાકાંક્ષી બહુચર્ચિત પ્રોજેક્ટ રીંગરોડ છે. વિરાવળથી ભેંસતખાડીનો 800 મીટરનો રોડ 11 વર્ષ અગાઉ બનાવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી પ્રકાશ ટોકીઝથી વિરાવળ વચ્ચેનાં 2.6 કિલોમીટરનો માર્ગ બનાવવાની તજવીજ હાથ ધરી છે. આ માર્ગ ઉપર પુરાણ કરી મટીરીયલ નાંખવાની કામગીરી લગભગ પૂરી થઇ છે. જોકે રોડ બનાવવા આડે રૂસ્તમવાડી નજીક એક શિવમંદિરનો કેટલોક ભાગ તથા કાશીવાડી નજીકનાં ચાર ઘરો આવે છે. આ ચાર ઘરોનાં કથિત દબાણને હટાવવા બુધવારે મોટે ઉપાડે નવસારી પાલિકાએ સાધન સરંજામ લઇ સ્ટાફને દોડાવ્યો હતો. જોકે રહીશો તથા ખાસ કરીને કોંગ્રેસી કોર્પોરેટરોએ વિરોધ કરતાં ડીમોલીશન કરી શકાયું ન હતુ.

છેલ્લા બે દિવસથી નવસારી પાલિકામાં મુખ્યત્વે રીંગરોડ આડેનાં 4 ઘરોનાં ડીમોલીશનનો મુદ્દો જ ચર્ચાનો વિષય બન્યો છે. ગુરૂવારે અસરગ્રસ્ત પરિવારોએ કલેક્ટરાલયમાં ધરણાં કર્યા બાદ શુક્રવારે આ પરિવારોએ કોંગી અગ્રણીઓ દિપક બારોટ, મેહુલ ટેલર, પિયુષ ઢીમ્મર, પ્રભાબેન વલસાડીયા, નરેશ વલસાડીયા વિગેરે સાથે ચીફ ઓફિસર રમેશ જોષી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કોંગ્રેસીઓએ અસરગ્રસ્ત પરિવારોને ઘર આપ્યા બાદ ડીમોલીશન કરવાની વાત કરી હતી. બીજી તરફ સીઓ જોષીએ રોડ આડેનું દબાણ હોય નોટિસ વિના જ તોડી પાડવાની વાત કરી હતી. જેને લઇને કોંગી અગ્રણીઓની સીઓ સાથે શાબ્દિક તડાફડી થઇ હતી અને મામલો ગરમાયો હતો.

સીઓની દબાણ તોડવાની વાત સામે શાસકોનો મૂડ અલગ હોવાની વાત બહાર આવી છે. ભાજપીઓમાં અંદરખાને આ મુદ્દે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે, જેમાં હાલ દબાણ તોડવામાં ઉતાવળ ન કરવાની વાત છે. સરકાર જ્યાં ઘરવિહોણા લોકોને ‘ઘર’ આપવાની પૂરજોશમાં જાહેરાત કરી રહી છે, ઘર આપી રહી છે ત્યારે રીંગરોડ આડેના 4 ઘરોને ઘરવિહોણા કરતા મામલો બૂમરેંગ સાબિત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.

રિંગરોડમાં જમીનધારકો, બિલ્ડરોને વધુ રસ
નવસારીના બહુચર્ચિત રીંગરોડ બનવાથી શહેરીજનોને તો ફાયદો થશે એમાં બે મત નથી. પરંતુ રીંગરોડ નજીક જમીન ધરાવનારાઓ બિલ્ડરોને પણ ફાયદો થશે. આ રીંગરોડ વિસ્તારમાં જમીન ધરાવનારાઓ પોતાની જમીન ઓછી જાય અને ફાયદો વધુ થાય તે માટે પાલિકામાં લોબીંગ કરી રહ્યાનો આક્ષેપ કરી રહ્યાં છે. વગદાર જમીનધારકોએ તો રીંગરોડનો રૂટ સુધ્ધાં અનેક વખત બદલાવ્યો હોવાનો સીધો આક્ષેપ પણ કોંગ્રેસી કોર્પોરેટરોએ શુક્રવારે ચીફ ઓફિસર સમક્ષ કરી દીધો હતો.

તાત્કાલિક નિર્ણય નહીં લેવાઇ
હજુ દબાણ દૂર કરવાનો નિર્ણય લેવાયો નથી. રીંગરોડ આડેના ઘરોનાં દબાણને દૂર કરવા માટે ચૂંટાયેલા સભ્યો સાથે બેસીને નિર્ણય કરાશે. આ મુદ્દે તાત્કાલિક નિર્ણય હાલ લેવાઇ તેમ નથી.- અલકાબેન દેસાઇ, પ્રમુખ,નવસારી પાલિકા

વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે
રીંગરોડ આડેના 4 ઘરોનાં દબાણને દૂર તો કરાશે પરંતુ અસરગ્રસ્ત માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કંઇને કંઇ કરવામાં આવશે. જોકે આ મામલે સાથે મળીને અમે નિર્ણય લઇશું.- જયંતિ ગોપાણી ચેરમેન, પ.વ.કમિટી, નવસારી પાલિકા