6 April 2018

નવસારીમાં હવે આખો ઉનાળો 'પાણીકાપ'


ડિસેમ્બરમાં સિંચાઇ વિભાગે નહેરની મરામત શરૂ કરતા નહેરમાં પાણી આવવાનું બંધ થયુ હતુ. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં પાણી આપવામાં આવ્યું હતુ. હવે ફરી નહેરમાં પાણી ન આવતા નવસારીમાં આખોય ઉનાળો પાણીકાપ પાલિકાએ મુકવો પડશે. તાજેતરમાં નહેરના પાણીથી દુધિયાતળાવ ન ભરાતા તથા હવે સવા મહિનો નહેરનું પાણી ન મળતા પાલિકા એક જ ટાઈમ પાણી આપશે એવી સ્થિતિ પેદા થઈ છે.

નવસારીમાં ચોમાસુ પુરૂં થયા બાદ જ પાણીની મોકાણ શરૂ થઈ ગઈ હતી. ડિસેમ્બર માસથી ફેબ્રુઆરી સુધી નહેરની મરામત કરાતા નહેર બંધ રહી હતી. જેના કારણે નહેરનું પાણી નવસારી શહેરને ન મળતા પાણીકાપ મુક્યાની શરૂઆત થઈ ગઈ હતી. ડિસેમ્બરથી શરૂ થયેલા પાણીકાપ જારી રહ્યો છે. આ દરમિયાન થોડો સમય પાલિકાએ એક ટાઈમ પાણીની જગ્યાએ અઠવાડિયામાં ચાર દિવસ બે ટાઈમ પામી પણ આપ્યું હતું. આ દરમિયાન તળાવમાં પુન: પાણી ઘટતા છેલ્લા પંદરેક દિવસથી એક ટાઈમ જ પાણી અપાઈ રહ્યું છે.

નવસારી પાલિકાએ થોડા દિવસો એવી જાહેરાત કરી હતી કે તળાવમાં પૂરતુ પાણી ન હોય 31મી માર્ચ સુધી એક ટાઈમ પાણી શહેરીજનોને અપાશે. 31મી વિતી ગયાને પાંચ દિવસ થયા છે છતાં હજુ પાલિકા એક જ ટાઈમ પાણી રોજ આપી રહી છે. નહેરનું પાણી ઓછુ આવી રહ્યું હોય દુધિયા તળાવ 25 ટકા હજુ ખાલી રહ્યું છે. શહેરને હવે માંડ 4-5 દિવસ નહેરનું ધીમી ગતિએ પાણી મળશે ત્યારબાદ બંધ થઈ જશે. નહેરનું પાણી બંધ થયા બાદ 10મે ના અરસામાં પુન: પાણી મળી શકશે. એટલે કે સવા મહિનો પાણી મળશે નહીં. આ સ્થિતિમાં તળાવ પુન: ખાલી થઈ જશે જેથી બે ટાઈમ પાણી આપતુ પાલિકા માટે લગભગ અશક્ય બનશે. પાલિકાના અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે કે જૂન માસ ચોમાસુ શરૂ થાય ત્યાં સુધી પાણીની તકલીફ રહેશે. ઉકાઈ ડેમમાં પાણી ઓછુ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.

પાણીકાપ હળવો થાય જો
નવસારીમાં આજની સ્થિતિએ તો પાલિકા ઉનાળો શહેરીજનોને એક ટાઈમ જ પાણી આપી શકશે એવું વર્તાય છે. જોકે આગામી દિવસો દરમિયાન પીવાના પાણીની લોકોની બૂમરાણ વધે, વધુ પાણીની માગ પ્રબળ બને, નહેરનું પાણી પણ વધુ મળે યા પાલિકાને પાણીના અન્ય સ્ત્રોત મળે તો પાણીકાપ હળવો કરી અઠવાડિયામાં ચારેક દિવસ પાલિકા બે ટાઈમ પાણી આપી શકે છે.

પાણીની સ્થિતિ સારી નથી
નહેરનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે પાણીની સ્થિતિ સારી નથી. આ સ્થિતિમાં ચોમાસા સુધી પાણીકાપ મુકવો પડે એવું હાલ જણાઈ રહ્યું છે.- ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ, નવસારી પાલિકા

હાલ સરપ્લસ પાણી મળશે
આમ તો નહેર આજથી બંધ થઈ રહી છે પરંતુ નવસારીના તળાવમાં નહેરનું સરપ્લસ પાણી થોડા દિવસ આવશે. જોકે ફરી નહેરનું પાણી મે મહિનામાં જ આવશે.- વી.સી. પટેલ, કાર્યપાલક ઈજનેર, અંબિકા ડિવિઝન નહેર વિભાગ