18 April 2018

નવસારીમાં ‘ATM બંધ’નાં ઝૂલતાં પાટિયાં


નવસારી જિલ્લાના ઘણાં એટીએમ કેશલેસ થતા ‘બંધ’ના પાટીયા ઝુલતા જોવા મળી રહ્યા છે. જોકે બ્રાંચોમાં તો કેશ મળી રહી છે. નવસારી જિલ્લામાં કુલ 31 જેટલી બેંકોની શાખાઓ કાર્યરત છે. આ બેંકોમાં રાષ્ટ્રીયકૃત ખાનગી, સહકારી તમામ ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં વિવિધ ક્ષેત્રની બેંકોની 260 જેટલી શાખા છે અને આ બેંકોના 276 એટીએમ છે. નવસારી શહેર-પંથકમાં આવેલી બેંકોના એટીએમની હાલત હાલમાં બગડી હોવાની જાણકારી મળી છે.

જિલ્લામાં 31 બેંકની 260 શાખાનાં 276 એટીએમ છે
શહેરમાં કાર્યરત મહત્તમ બેંકોની શાખાઓ સાથે બહાર એટીએમ પણ છે. જોકે આ એટીએમ સેન્ટરોમાંથી ઘણાં (બધા નહીં) એટીએમ અવારનવાર બંધ જોવા મળે છે. ગ્રાહકો જરૂરિયાત મુજબ એટીએમમાંથી કેશ ઉપાડવા તો જાય છે પરંતુ ‘એટીએમ બંધ’ના બોર્ડ જોઈ વીલા મોંએ પરત જાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઘણી બેંકોના એટીએમ લાંબો સમય બંધ રહે એવી સ્થિતિ પણ જોવા મળતી નથી. અનેક એટીએમમાં કેશ ફીડ કરાયા બાદ થોડા સમયમાં ઉપાડ થઈ જવાનું પણ જોવાય છે. બેંકોના એટીએમમાં જે સમસ્યા છે તેવી હાલત બેંકોની શાખામાં ન હોવાની પણ જાણકારી મળે છે. શાખામાંથી ગ્રાહકોને મહદઅંશે જરૂરિયાત મુજબ કેશ મળી રહી છે.

રિઝર્વ બેંકનો સપ્લાય ઓછો
મને મળેલી માહિતી મુજબ ‘ક્રાઈસીસ ઓફ મની ફલો’ની સ્થિતિ છે. રિઝર્વ બેંક દ્વારા નવી કરન્સી ‘લિક્વિડિટી’ બેંકોને ઓછી મળી રહે છે. જેને લઈને એટીએમમાં લોડ કરવા બેંક પાસે સપ્લાય ઓછો છે. બીજુ કે સરકાર 2 હજારની નોટનો સપ્લાય ઓછો કરવા માગે છે એવું લાગે છે અને તેની જગ્યાએ 200,500ની નોટનો સપ્લાય આપવા માગે છે.- પ્રો. મહાદેવ એ. દેસાઈ, બેંકિંગ નિષ્ણાંત, નવસારી

ફિટેડ નોંધ પૂરતી આવતી નથી
એટીએમ મશીનમાં જે નવી ‘ફિટેડ’ (Fitted) નોટ મુકવી પડતી હોય છે તે જરૂરિયાત મુજબ આવતી ન હોવાથી એટીએમમાં કેશની અછત સર્જાય છે. 2000ની નોટ પણ મુકાતી નથી. નાની 200,500ની નોટ મુકાઈ છે જે તુરંત પૂરી થઈ જાય છે. - એક બેંકકર્મી

શાખામાં કેશની તકલીફ નથી 
અમારી બેંકની શાખામાં તકલીફ પડતી નથી. અમે ડિમાન્ડ મુજબ ગ્રાહકોને કેશ આપી શકીએ છીએ. એટીએમ પણ ચાલુ રહે છે. - ઈશ્વરભાઈ પટેલ, મેનેજર, બીઓઆઈ, વિજલપોર

ગભરાટનો માહોલ ખોટો
અમારી શાખામાં બેંકની ‘કરન્સી ચેષ્ટ’ છે અને અમે નવસારી પંથકની બેંકની 26થી 27 તમામ શાખામાં પૂરતી રોકડ આપીએ જ છીએ. આજે પણ આપ્યા હતા. રોકડ નથી અને ગભરાટનો માહોલ ખોટો છે. - પરેશ એરવડીયા, મેનેજર, બીઓબી, સ્ટેશન બ્રાંચ