6 April 2018

ઐતિહાસિક દાંડીનો 110 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે


દાંડીના વિકાસ માટે રૂ. 110 કરોડના ખર્ચે વિકાસલક્ષી કામોનો પ્રારંભ કરાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાંટમાંથી આ કામો કરાશે. દાંડીયાત્રાને 88 વર્ષ બાદ વિકાસના કામોની જાહેરાત બાદ હાલ કામગીરી શરૂ થઇ છે. દાંડીકૂચના સ્મરણોને જીવંત રાખવા ગાંધીજીએ જ્યાં મીઠુ ઉપાડી મીઠાના કાયદાને લૂણો લગાડ્યો હતો. એ સ્થળે લાઈટિંગવાળો પિરામિડ બનશે. લાઈટ ગાંધીજી અને સત્યાગ્રહીઓની પ્રતિમા પર પડશે. એ વખતે અનોખુ દૃશ્ય સર્જાશે.

પ્રવાસન વિભાગ અને માર્ગ મકાન વિભાગ આ પ્રોજેકટમાં કામ કરશે
6ઠ્ઠી એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ અંગ્રેજ સરકારે લાદેલા મીઠાના કાયદાના ભંગ માટે સાબરમતીથી દાંડી સુધી યાત્રા કરી ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોના કાયદાનો ભંગ કર્યો હતો. એ સાથે જ દેશની આઝાદીની લડતને વેગ મળ્યો હતો અને આખરે દેશને આઝાદી મળી હતી. આ ઐતિહાસિક દાંડીનું નામ દુનિયામાં ગાંધીજીની દાંડીયાત્રાને કારણે જાણીતું બન્યું હતું. આઝાદીના વર્ષો પછી પણ દાંડીના વિકાસ માટે માત્ર વાતો જ થતી રહી હતી.

વર્ષ 2005-06માં કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન મનમોહનજી સહિત સોનિયા ગાંધી સહિત મહાનુભાવો દાંડી આવ્યા હતા. એ વખતે દાંડીકૂચ કરાઈ હતી. એ પ્રાસંગિક ઉદબોધનમાં દાંડીના વિકાસની વાતો કરી હતી પરંતુ તે પછી સરકારે યોગ્ય ધ્યાન આપ્યું ન હતું. જેને લઈ દાંડી તથા તેની સાથે સંલગ્ન ગામોનો વિકાસ માત્ર વાતોમાં જ અટવાતો રહ્યો હતો. જોકે હાલમાં જ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભાજપની સરકારે 110 કરોડની ગ્રાંટ ફાળવી છે અને દાંડી આસપાસના વિસ્તારમાં વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો છે. જેથી આગામી વર્ષોમાં દાંડીના રૂપરંગ બદલાય તેવી શક્યતા છે. દાંડીમાં 30 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ, 50 કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ અને 4 કરોડમાં કરાડીમાં પ્રવાસન સ્થળ વિકસાવાશે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ખર્ચ કરાશે.

પદયાત્રીઓની પ્રતિમા ધૂળ ખાય છે

ઐતિહાસિક દાંડીમાં 80 પદયાત્રીઓની પંચધાતુની પ્રતિમા સ્થાપવામાં આવશે. એ માટેની તમામ તૈયારી વર્ષોથી ચાલી રહી છે. આ પ્રતિમા દાંડી આવી પણ પહોંચી છે પરંતુ તે હજી સુધી ધૂળ ખાઈ રહી છે.

સૈફીવિલાની દેખરેખ કોના શિરે એક મોટો પ્રશ્ન ?
ઐતિહાસિક દાંડી ખાતે આવેલા રાષ્ટ્રીય સ્મારકોના વિકાસ અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ઐતિહાસિક સ્મારકો આજે નધણિયાતની હાલતમાં છે. ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરતા પહેલા રાત્રિ રોકાણ દાંડીમાં સૈફીવિલા ખાતે કર્યું હતું. તે મકાનને ઈ.સ. 1961માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

ત્યારબાદ સરકાર તેની જાળવણી કરતું હતું. વર્ષ 2013માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવસારીમાં ગુજરાત ગૌરવદિનની ઉજવણી માટે દાંડી આવ્યા હતા. એ વખતે પુરાતત્વ વિભાગને ઈમારતની મરામતની જવાબદારી સોંપાઈ હતી પરંતુ તે પછી 1લી મે 2013થી આજે રાષ્ટ્રીય ઈમારત સૈફીવિલાની દેખરેખ કોઈ સરકારી વિભાગ દ્વારા થતી નથી.

વિશ્વ ફલક ઉપર ઐતિહાસિક દાંડીની અલાયદી ઓળખ બનશે
સરકારના સહયોગથી દાંડી તથા તેને સંલગ્ન વિસ્તારમાં કરોડોના ખર્ચે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં દાંડીમાં થઈ રહેલા કામો લોકોને જોવા મળશે. વર્ષો બાદ કામ થઈ રહ્યું છે. અહીં કામગીરીથી દાંડીમાં વિકાસના કામો બાદ વિશ્વમાં તેની અલાયદી ઓળખ બનાવશે.- આર.સી. પટેલ, ધારાસભ્ય, જલાલપોર