30 April 2018

હવે નવસારીના માર્ગો બનશે ચોખ્ખાચણાક


નવસારી શહેરના રાજમાર્ગોને ‘ધૂળમુક્ત’ કરાશે. આ માટે નગરપાલિકાએ અંદાજે દોઢેક કરોડ રૂપિયાનાં ખર્ચે ઓટોમેટિક મશીનોથી માર્ગોને ચકાચક કરવાનો નિર્ણય કર્યો છે. ઓટોમેટિક મોટા સ્વીપર મશીનની કિંમત અંદાજે 1.15 કરોડ રૂપિયા હોવાની જાણકારી મળી છે. આ મશીન દ્વારા ભેગી થયેલી ધૂળ-કચરાને પાલિકાની ડમ્પિંગ સાઇટ પર નાંખવામાં આવશે, એમ નગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અંદાજે દોઢેક કરોડની કિંમતના ઓટોમેટિક મશીનથી માર્ગોની સફાઇ કરવામાં આવશે
નવસારી શહેરમાં મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક માર્ગો પણ છે. આ માર્ગો ઉપર રોજબરોજ ધૂળ રહે છે. આ ધૂળને કાઢવા અને માર્ગોની સફાઇ કરવા પાલિકાનાં કર્મચારીઓ બ્રશિંગની કામગીરી કરે છે. અનેક કર્મચારીઓ આ કામગીરીમાં જોતરાયેલા હોય છે. જોકે, કર્મચારીઓ દ્વારા કરાતી બ્રશિંગની કામગીરી પ્રમાણમાં ધીમી ગતિએ થાય છે તથા સફાઇમાં તેની મર્યાદા પણ હોય છે. આ બાબતોને ધ્યાને લઇને નવસારી નગરપાલિકાએ ‘ઓટોમેટિક રોડ સ્વીપર મશીન’ ખરીદવાનો નિર્ણય કર્યો છે.


ઓટોમેટિક રોડ સ્વીપર મશીનથી ખૂબ જ સારી રીતે માર્ગો ઉપરથી ધૂળનો નિકાલ કરે છે. એક તો આ મશીનથી સફાઇની કામગીરી ખૂબ જ ઝડપથી થાય છે. મશીનમાં ત્રણથી ચાર બ્રશ આવે છે. આ બ્રશ મારફત ધૂળને માર્ગ ઉપરથી ખેંચી લેવામાં આવે છે. ધૂળ ઉપરાંત નાના કચરાને પણ ખેંચી મશીનના પાછળના ભાગ (ટેમ્પો)માં ભેગી કરવામાં આવે છે. ત્યારબાદ ભેગી થયેલી ધૂળ-કચરાને પાલિકાની ડમ્પિંગ સાઇટ પર નાંખવામાં આવશે. મશીનથી ધૂળ દૂર કરવાની કામગીરી ખૂબ જ ઝડપી થાય છે.

આ ઉપરાંત રોડના ખૂણા, કિનારો, ડિવાઇડર વચ્ચેથી પણ ખૂબ સારી રીતે ધૂળ ખેંચી ભેગી કરી તેનો નિકાલ કરી શકાશે. આ ઓટોમેટિક મશીનનો ઉપયોગ દેશના કેટલાક ભાગોમાં થઇ રહ્યો છે અને તેનું પરિણામ ખૂબ સારું હોઇ નવસારીમાં તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓટોમેટિક મોટા સ્વીપર મશીનની કિંમત અંદાજે 1.15 કરોડ રૂપિયા હોવાની જાણકારી મળી છે. શહેરનાં રાજમાર્ગ, મુખ્ય માર્ગ ઉપર આ મશીનનો ઉપયોગ કરી શકાશે. નવસારી નગરપાલિકાએ આ મશીન ખરીદવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દીધી છે.

નાનાં મશીનો પણ લેવાશે
નવસારીમાં પાલિકાએ માત્ર મોટું એક જ મશીન લાવવાનો નિર્ણય કર્યો નથી પરંતુ શહેરનાં ફૂટપાથ, આંતરિક નાના માર્ગોની સફાઇ માટે નાનાં મશીનો પણ લાવવાનો નિર્ણય કર્યો છે. આ નાના મશીનોથી બ્લોક, ફૂટપાથ વગેરેની સફાઇ થઇ શકે છે. ડીઝલવાળાં મશીનો હોય છે. માણસ લઇને ચાલે એવાં આ મશીનો અલગ અલગ પ્રકારનાં આવે છે. જે ખરીદ કરવા માટે પાલિકા મશીનોની કાર્યક્ષમતા પિછાણી રહી છે.

ઓનલાઇન ટેન્ડરિંગ પ્રક્રિયા કરાઈ
‘ધૂળ મુક્ત નવસારી’ અંતર્ગત મશીનો પાલિકા લાવી રહી છે. દરરોજ ખાસ કરીને રાત્રીના સમયે માર્ગો ઉપર મશીનો ફેરવી ધૂળ ખેંચી લેવામાં આવશે. આ મશીનો ખરીદ કરવા માટે ‘ઓનલાઇન ટેન્ડરિંગ’ ની કાર્યવાહી પણ કરવામાં આવી છે.-  રાજુ પટેલ, ચેરમેન, સેનિટરી કમિટી, નવસારી નગરપાલિકા

જનારોગ્યને પણ તેનાથી ફાયદો થશે
ધૂળ ઊડી શરીર ઉપર પરસેવાને કારણે ચોંટતા ચામડીના રોગ થાય છે. ધૂળ શ્વાસમાં જવાથી ઇન્ફેક્શન, એલર્જી પણ થાય છે. ફેફસાંના રોગો પણ ધૂળથી થઇ શકે છે. આપણે ત્યાં ધૂળથી થતા રોગો ઘણાને થાય છે. માર્ગો ઉપર ધૂળ ન હોય યા ઓછી હોય તો આરોગ્યની દૃષ્ટિએ પણ ફાયદો થાય છે.- ડો. મેહુલ ડેલીવાલા, મેડિકલ ઓફિસર, નવસારી જિલ્લો