3 April 2018

નવસારી બંધમાં દુકાનના શટર ડાઉન


એટ્રોસિટી એકટને હળવો બનાવવા સંદર્ભે સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને નવસારીમાં લોકોએ સહકાર આપ્યો હતો. શહેરની મોટાભાગની દુકાનો બંધ રહી હતી, જે બપોરબાદ પણ બંધ રહેતા જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું. બેથી ત્રણ હજાર એસટી, એસસી સમાજના લોકોએ રેલીમાં જોડાઈ દેખાવો પણ કર્યા હતા. હાઇવે પર આ લોકોએ ટાયર સળગાવી અડધો કલાક માટે ટ્રાફિકજામ કર્યો હતો. ત્યારબાદ પોલીસે કેટલાંક લોકોને ડિટેઇન કરતા ટોળુ વિખેરાયુ હતુ.

એટ્રોસિટી એકટને હળવો કરવા અંગે તાજેતરમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાના ઘેરા પ્રત્યાઘાત દેશના એસસી, એસટીના સમાજમાં પડ્યા છે. ચૂકાદાનો વિરોધ કરવા 2જી એપ્રિલના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

શહેરની મોટાભાગની દુકાનો બંધ, ટાયરો બાળ્યા, હાઈવેનો ટ્રાફિક પોણો કલાક થોભાવાયો, 41ની અટકાયત

સોમવારે સવારે જલાલપોર, વિજલપોર તથા શહેરના અન્ય વિસ્તારમાં રહેતા દલિત, અનુસૂચિત જાતિ, જનજાતિ સમાજના લોકો મોટીસંખ્યામાં ભેગા થયા હતા. આ સમાજના લોકો શહેરભરમાં ફરતા હતા અને વેપારીઓને દુકાનો બંધ કરવા જણાવતા ટાવર, મોટાબજાર, દુધિયાતળાવ, પાંચહાટડી સહિત નવસારીના મોટાભાગના વિસ્તારની દુકાનો બંધ થઈ ગઈ હતી. સવારે બંધ થયેલી ઘણી દુકાનો બપોરબાદ પણ બંધ જ જોવા મળી હતી.

એસસીએસટી સમાજની રેલી નવસારીના વિવિધ વિસ્તારોમાં ફરી કાલીયાવાડી, ગ્રીડ હાઈવે ગઈ હતી. અનેક ઠેકાણે લોકોએ ટાયરો બાળી ટ્રાફિકજામ કર્યા હતા. વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. લોકસમૂહ ગ્રીડ નેશનલ હાઈવે નં. 48 ઉપર ભેગો થયો હતો અને અમદાવાદ-મુંબઈનો વાહનવ્યવહાર પોલીસની નજર સામે જ થંભાવી દીધો હતો. હાઈવે ઉપર ટાયરો બાળ્યા હતા. લોકો ટ્રક ઉપર પણ ચઢી ગયા અને દેખાવ કર્યા હતા.


લગભગ અડધાથી પોણો કલાક નેશનલ હાઈવે ઉપર લોકોએ દેખાવ કર્યા હતા. અડધો-પોણો કલાક વાહનવ્યવહાર થંભાવી દેતા નેશનલ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો બંને તરફ લાગી ગઈ હતી. જોકે અડધા કલાક બાદ દેખાવકારો હાઈવેથી જતા રહેતા પુન: વાહનવ્યવહાર ચાલુ થયો હતો. નવસારી ગ્રીડ હાઈવે ઉપર દેખાવ કરતા 41 લોકોની નવસારી રૂરલ પોલીસે અટકાયત કરી થોડા સમય બાદ મુક્ત પણ કરી દીધા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી બંધ દરમિયાન દેખાવ કરનાર લોકોએ જય ભીમ અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધ દરમિયાન દુકાનો તો મોટાભાગની બંધ થઈ હતી પરંતુ સરકારી કચેરીઓ, બેંક, શાળા-કોલેજ, એસટી, રિક્ષા, ટ્રેન વ્યવહાર દેખાવકારોએ રાબેતા મુજબ ચાલવા દીધો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પંથકમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત મુકાયો હતો.