14 April 2018

નવસારીના 5 વિસ્તારોમાં ટેન્કરનો સહારો


નવસારીમાં અનેક વિસ્તારોમાં પીવાનું પાણી નગરપાલિકાની લાઇન દ્વારા નહિવત આવતાં ટેન્કરો મારફત લોકોને પાણી આપવાની ફરજ પડી રહી છે. નવસારીનાં રૂસ્તમવાડી નજીકનાં સરકારી આવાસો, રૂસ્તમવાડી, દાંડીવાડ, દરગાહ રોડ ઉપર આવેલ વિસ્તારો, તીઘરા નવી વસાહત વિગેરેમાં દરરોજ જ પાણીના ટેન્કરો લોકોને પાણી આપવા માટે જાય છે.

નવસારીમાં આમ તો છેલ્લા ચાર સાડા ચાર માસથી પાણીની સમસ્યા છે. પાલિકાને બોરનું પાણી મીક્ષ કરી તો આપવું પડે છે. પરંતુ બે ટાઇમ પૂરા ફોર્સથી પાલિકા આપી શક્તી નથી. નહેરનું રોટેશન બંધ થતા અને 1 મહિનો પાણી નહેરનું મળવાનું ન હોય પાણીની હાલાકી વધી છે. માત્ર એક જ ટાઇમ શહેરભરમાં પાણી પાલિકા આપી રહી છે.

શહેરના પાંચથી વધુ વિસ્તારમાં દરરોજ ટેન્કરનો જ એકમાત્ર સહારો અને સધિયારો છે
નવસારી પાલિકા એક ટાઇમ પાણી આપવાની તો વાત કરે છે. પરંતુ શહેરમાં એવા વિસ્તારો છે જ્યાં એક ટાઇમ પણ પૂરતું પાણી મળતું નથી. આવા વિસ્તારોમાં વધુ કફોડી હાલત આર્થિક રીતે નબળા પરિવારો-વિસ્તારોની છે, જેઓને ત્યાં બોર પણ ન હોવાથી પાણી માટે કપરી સ્થિતિ ઉભી થઇ છે. આવા વિસ્તારો માટે હાલ એકમાત્ર સહારો પાલિકાનાં ટેન્કરો જ છે.

નવસારીનાં રૂસ્તમવાડી નજીકનાં સરકારી આવાસો, રૂસ્તમવાડી, દાંડીવાડ, દરગાહ રોડ ઉપર આવેલ વિસ્તારો, તીઘરા નવી વસાહત વિગેરેમાં દરરોજ જ પાણીના ટેન્કરો લોકોને પાણી આપવા માટે જાય છે. ટેન્કરો આવતાં લોકો બેડાં લઇ જઇ પાણી ભરી જાય છે. કેટલાક વિસ્તાર એવા પણ છે જ્યાં દરરોજ નહીં કોઇક વાર પાણીના ટેન્કર મંગાવવા પડે છે. કેટલાક વિસ્તારમાં સવાર-સાંજ બંને સમય તો કેટલીક જગ્યાએ એક જ ટાઇમ ટેન્કર જાય છે. અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલ દરરોજ 20થી વધુ ફાયરબ્રિગેડના પાણીના ટેન્કરો ઠલવાઇ રહયા છે. જેમાં કેટલાક ટેન્કર પાણીની વધુ જરૂરિયાત સંતોષવા પૈસા આપી મંગાવવામાં પણ આવી રહ્યાં છે.

ચોમાસા સુધી તકલીફ રહેશે
શહેરમાં પાણીની તકલીફ છે એ હકીકત છે અને તેના કારણે ટેન્કરો પણ મોકલવા પડે છે. ચોમાસા સુધી થોડી મુશ્કેલી રહેશે એ હકીકત છે.- ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ નવસારી પાલિકા

ટેન્કરો બોલાવવા પડે કારણ કે
અમારા દાડીવાડમાં ઘણા સમયથી પાલિકાની લાઇનમાંથી ખૂબ જ ધીમું પાણી એક જ ટાઇમ આવે છે, કેટલાકને તો મળતું જ નથી. બોર પણ નથી. જેના કારણે પાણી માટે ટેન્કરો બોલાવવા પડે છે.- ઠાકરભાઇ રાઠોડ, અગ્રણી દાંડીવાડ, નવસારી

શહેરના આ વિસ્તારમાં રોજિંદા દોડતાં ટેન્કરો
-રૂસ્તમવાડી નજીક આવાસો 2 ટેન્કર 6 હજાર લીટર
-રૂસ્તમવાડી 1 ટેન્કર 3 હજાર લીટર
-દાંડીવાડ-માતાફળિયા 3 ટેન્કર 9 હજાર લીટર
-દરગાહરોડના વિસ્તારો 2 ટેન્કર 6 હજાર લીટર
-તીઘરા નવી વસાહત 3 ટેન્કર 9 હજાર લીટર