7 May 2018

નવસારીમાં પ્રથમ એડ્વેન્ચર પાર્ક બનશે


શહેરમાં તાજેતરમાં વર્ષોમાં અહીંની નગરપાલિકાએ અનેક ગાર્ડનોનું નિર્માણ કર્યું છે તથા નવા ગાર્ડન બનાવવાનું આયોજન પણ કર્યું છે. હાલમાં દુધિયા તળાવની ફરતે આકર્ષક ‘લેકફ્રન્ટ’ નું નિર્માણ પણ કર્યુ છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યાં છે. હવે દુધિયા તળાવ વિસ્તારમાં લોકો (ખાસ કરીને બાળકો, છોકરાઓ) માટે નવો પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ છે. એડવેન્ચર પાર્ક!

નવસારીમાં દુધિયા તળાવના કિનારે પૂર્વ બાજુએ ખુલ્લી જગ્યા છે. આ ખુલ્લી જગ્યા ઉપર એડવેન્ચર પાર્ક’ બનાવવામાં આવશે. આ પાર્કમાં છોકરાઓ, બાળકો માટે બહુ મોટી નહીં પરંતુ ઓછી ભયજનક ‘રમતો’ મૂકવામાં આવશે. જેમાં નેટગેમ, ટાયર ગેમ, રોક વોકીંગ, એડવેન્ચર સહિત 7થી 8 પ્રકારની એડવેન્ચર ગેમ મૂકવામાં આવશે. એડ્વેન્ચર ગેમ થકી બાળકો, છોકરાઓને ગેમનો આનંદ મળશે, કસરત કરી શકશે અને એડ્વેન્ચર પણ કરી શકશે!

એડવેન્ચર પાર્ક માટે અંદાજિત 83 લાખ રૂપિયાનો ખર્ચ થશે. પાર્ક જે જગ્યાએ બનનાર છે ત્યાં અનેક વૃક્ષો છે, તેનું છેદન ન કરાશે અને વૃક્ષાચ્છાદિત જગ્યામાં જ પાર્ક બનશે! નવસારી પંથકમાં હજુ સુધી આવો એડ્વેન્ચર પાર્ક બન્યો નથી. આ પ્રથમ જ બનશે. તાજેતરમાં મળેલી નવસારી પાલિકાની સામાન્ય સભામાં એડ્વેન્ચર પાર્ક બનાવવાનાં કામને મંજુરી પણ આપી દેવાઇ છે. એડ્વેન્ચર પાર્ક બનવાથી દુધિયા તળાવ કિનારે પૂર્વ બાજુએ ખુલ્લી જગ્યા પડતર જ પડી રહી છે, જેનો પણ સદુપયોગ વિશે!

બિગ ફુવારાની વિચારણા
નવસારી પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ જણાવ્યું કે, દુધિયા તળાવમાં મસ મોટો ‘ફુવારો’ બનાવવાની વિચારણા પણ ચાલી રહી છે. આ ફુવારો ખૂબ મોટો હશે, જે સ્ટેશનથી પણ જોઇ શકાશે અને આકર્ષક હશે. દુધિયા તળાવ ઉપરાંત સરબતીયા યા અન્ય તળાવમાં પણ ફુવારા બનાવવાની વિચારણા છે.

દુધિયા તળાવ એન્ટરટેઇનમેન્ટ ઝોન
નવસારીના વિસ્તારમાં તાજેતરમાં લેક ફ્રન્ટ બનાવાયો છે. તળાવ નજીક બાળક્રીડાંગણ ગાર્ડન અગાઉથી છે. રંગ ઉપવન કરોડોના ખર્ચે નવીન બની રહ્યું છે. (યા બની ગયું છે) મ્યુઝિકલ ડાન્સિંગ ફુવારો કેટલાક વર્ષોથી છે. આ ઉપરાંત હવે દુધિયા તળાવની ફરતે વધુ એક મનોરંજક પ્રોજેક્ટ ‘એડ્વેન્ચર પાર્ક’ બનશે. જેને લઇને દુધિયા તળાવ વિસ્તાર ‘એન્ટરટેઇનમેન્ટ ઝોન’ બની જશે એમાં બે મત નથી.

ગ્રાંટ માટે દરખાસ્ત કરાશે
એડવેન્ચર પાર્ક બનાવવા માટે પાલિકા સરકારમાં ગ્રાંટ મેળવવાની દરખાસ્ત કરશે. ગ્રાંટ ન મળે તો સ્વભંડોળના નાણાં પણ વાપરી શકે છે! પાર્ક માટે ઓછામાં ઓછાં નાણાં લેવાશે કે મફત જ એન્ટ્રી અપાશે તેનો નિર્ણય ચુંટાયેલી પાંખ લેશે. - રાજુ ગુપ્તા, સિટી ઇજનેર, નવસારી પાલિકા