9 May 2018

નવસારીમાં 57 રોડ બનાવવાનું મુહૂર્ત મળતું નથી


નવસારી શહેરમાં આયોજન કરાયેલા 57 રસ્તાઓની પાલિકાએ ઘણાં સમય અગાઉ મંજૂરી આપ્યા છતાં આ 3.57 કરોડ રૂપિયાની કિંમતના ખર્ચે બનનારા રસ્તાઓ મે મહિનામાં પણ બનવાની શરૂઆત થઈ નથી. કેટલાક રસ્તાઓ તો ધુળીયા પ્રથમ વખત જ બનનાર છે. નવસારી શહેરમાં મુખ્ય માર્ગો ઉપરાંત અનેક આંતરિક માર્ગો છે. આમાંના આંતરિક માર્ગોને મુખ્ય માર્ગોથી જોડવામાં આવ્યા છે. આ રસ્તાઓને બનાવવાની કામગીરી અહીંની નગરપાલિકા જ કરે છે. રસ્તાનું ટેન્ડરિંગ હજુ બાકી છે. ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં ચોમાસુ આવી જશે એટલે આ રસ્તાનું કામ ચોમાસા બાદ જ શરૂ થવાની શક્યતા રહેલી છે.

3.57 કરોડના ખર્ચે બનનારા રસ્તાના કામની મંજૂરી, બિસ્માર રસ્તા હોય ત્યાં લોકોએ હાલાકી ભોગવવી પડશે
મળતી માહિતી મુજબ નવસારી નગરપાલિકાએ છેલ્લા કેટલાક સમયથી શહેરના 57 જેટલા નાના મોટા માર્ગોને બનાવવાનું કામ હાથ ઉપર લીધુ હતું. આ માર્ગોમાં કેટલાક માર્ગને રિકાર્પેટ, કેટલાકના વાઈડનિંગનું કામ યા કેટલાક માર્ગ તો પ્રથમ વખત (આજદિન સુધી ધુળીયા હતા યા નવો વિસ્તાર ડેવલપ થતા) જ બનાવવાનું આયોજન કર્યું છે. આ રસ્તાઓમાં થોડા જ મુખ્ય માર્ગ છે, મહત્તમ આંતરિક માર્ગના કામો જ હાથ ઉપર લેવામાં આવ્યા છે. શહેરના આ કુલ 57 નાના-મોટા માર્ગ બનાવવાનો ખર્ચ રૂ. 3.57 કરોડ અંદાજવામાં આવ્યો છે, જે સ્વર્ણિમ જયંતીની ગ્રાંટમાંથી કરવામાં આવશે.

નવસારી નગરપાલિકાની પબ્લિક વર્કસ કમિટીએ આ રસ્તાના કામોને મંજૂરી આપી દીધા બાદ પાલિકાની સામાન્ય સભાએ પણ મંજૂરીની મહોર મારી દીધી છે. કેટલાક રસ્તાના કામની પાલિકાની મંજૂરી તો 4-5 મહિના યા તેનાથી વધુ સમયથી મળી ગઈ છે. આમ છતાં હજુ સુધી આ માર્ગોના કામોની શરૂઆત પાલિકાએ કરી નથી. હાલ મે મહિનો ચાલી રહ્યો છે ત્યારે ક્યારે આ માર્ગોના ટેન્ડરિંગનું કામ થશે અને માર્ગ બનાવવાની શરૂઆત થશે એ પ્રશ્ન ઉભો થયો છે. શું વરસાદની મોસમ શરૂ થશે એ અગાઉ રસ્તાના કામો શરૂ થશે ખરા અને શરૂ થાય તો કેટલા રસ્તા બનશે.

પાલિકા કક્ષાએ કામ અટક્યું નથી
નવસારી નગરપાલિકા કક્ષાએથી કોઈ કામ અટકેલુ નથી. પાલિકાએ મંજૂરી આપી જ દીધી છે ત્યારબાદ તાંત્રિક મંજૂરી પણ મળી ગઈ છે. હવે વહીવટી મંજૂરી મેળવવાનું કામ કલેકટર કચેરીમાં ગયું છે ત્યાંથી મંજૂરી મળતા ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે. બીજુ કે શહેરમાં મહત્તમ રસ્તા હજુ સારા જ છે. પાલિકાએ આગોતરા આયોજનરૂપે કામ હાથ ઉપર લીધા છે. - જયંતિભાઈ ગોપાણી, ચેરમેન, પ.વ. કમિટી, નવસારી પાલિકા

રાજકીય લાભ લેવા વિલંબ
મારા વોર્ડ નં. 11ના કામો તો દિવાળીના સમયથી રસ્તાના કામ મંજૂર થયા છે છતાં કામ શરૂ થતા નથી. મારા મતે તો આ રસ્તાના કામો ચોમાસા બાદ શરૂ કરાશે, જેને લઈને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેનો રાજકીય લાભ ભાજપ લઈ શકે ! વિલંબ થવા માટે તો મને આજ કારણ દેખાય છે. - ધવલકીર્તિ દેસાઈ, વોર્ડ નં. 11 કોર્પોરેટર, નવસારી પાલિકા