25 May 2018

14 વર્ષથી ચાલી રહેલી નવસારી મહાનગરપાલિકાની માંગ પુન: શરૂ


નવસારીને મહાનગરપાલિકા બનાવવાની માગ પુન: શરૂ થઈ ગઈ છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, પાલિકા પ્રમુખે લેખિત રજૂઆત સરકારમાં આ અંગે કર્યા બાદ મંગળવારે મુખ્યમંત્રીને રૂબરૂ મળી જિલ્લાના ત્રણેય ધારાસભ્યોએ પણ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ચેમ્બર ઓફ કોમર્સ પણ જોડાઈ છે. જોકે, નૂડા અંગે  પણ હજુ કોઇ ચિત્ર સ્પષ્ટ થયુ નથી.

જિલ્લાના ત્રણેય ધારાસભ્યોએ તો મુખ્યમંત્રીને રૂબરૂ મળી ‘મહાપાલિકા’ની રજૂઆત કરી
નવસારીને મહાપાલિકા બનાવવાની માગ છેલ્લા 14 વર્ષથી નવસારી પાલિકા સહિતના સંગઠનો અવારનવાર કરી રહ્યા છે. જોકે એક યા બીજા કારણે હજુ સુધી ‘અ’ વર્ગની અને રાજ્યની સૌથી મોટી પાલિકાઓમાંની એક એવી નવસારી પાલિકા ‘મહાપાલિકા’ બની નથી. છેલ્લા બે અઢી વર્ષથી ‘નૂડા’ બન્યા બાદ મહાપાલિકાની માગ ધીમી પડી છે. જોકે હવે પુન: આ માગ સ્થાનિક કક્ષાએ બળવત્તર થઈ છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ હાલ સરકારમાં નવસારીને ‘મહાપાલિકા’ બનાવવા લેખિત રજૂઆત સરકારમાં કરી હતી. ધારાસભ્યની સાથે નવસારી પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈએ પણ સરકારને પત્ર લખી ‘નવસારી મહાપાલિકા’ બનાવવાની માગ કરી હતી.

‘અ’ વર્ગની અને રાજ્યની સૌથી મોટી પાલિકામાંની એક એવી નવસારી પાલિકા
પિયુષ દેસાઈની લેખિત રજૂઆત બાદ પિયુષભાઈ ઉપરાંત જિલ્લાના ભાજપના અન્ય બે ધારાસભ્ય નરેશ પટેલ અને આર.સી. પટેલ (ત્રણેય)એ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાંધીનગરમાં રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે પણ નવસારી મહાપાલિકા બનાવવાની રજૂઆત કરી દીધાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યો, નવસારી પાલિકા સાથે મોટુ વેપારી સંગઠન ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ પણ આ માગમાં જોડાયું છે. ગત રવિવારે મુખ્યમંત્રી રાનકુવા આવ્યા ત્યારે ચેમ્બરના પ્રમુખ પ્રદીપ જૈન સહિતના આગેવાનોએ રૂબરૂ મળી નવસારીને જલદીથી મહાપાલિકા બનાવવાની માગ કરી હતી.

સરકારમાં કરાયેલી રજૂઆતમાં ભૌગોલિક સ્થિતિ, વસતિ, ઝડપી વિકાસ સહિતનો ઉલ્લેખ કરી નવસારીને મહાપાલિકા બનાવવાનું યોગ્ય હોવાનું જણાવાયું છે. નવસારી અને વિજલપોર શહેર તથા અન્ય 8 ગામ મળી 2011ની વસતિ ગણતરી મુજબ વસતિ 2.92 લાખ ભલે થતી હોય પરંતુ હાલની વસતિનો આંક 3.50 લાખને આંબી ગયો છે એમ પણ જણાવાયું છે.

સૂચિત મહાનગર પાલિકાની સ્થિતિ
સમાવિષ્ટ ગામ, શહેર : નવસારી, વિજલપોર, છાપરા, જમાલપોર, ઈંટાળવા, તીઘરા, કબીલપોર, કાલીયાવાડી, ચોવીસી, વિરાવળ. { કુલ વિસ્તાર : 43.10 ચો.કિ.મી. { વસતિ : 2011 પ્રમાણે 2.90 લાખ અને હાલની અંદાજે 3.50 લાખ

‘નૂડા’નું ભવિષ્ય જોખમાય જો
નવસારી મહાપાલિકા જો સરકાર બનાવે તો ‘નૂડા’ આ વિસ્તારમાંથી નાબૂદ થઈ જાય એમ છે. આમ પણ હવે નૂડામાં માત્ર 15 ગામ, શહેર જ રહ્યા છે ત્યારે 10 ગામ-શહેર મહાપાલિકામાં સમાવેશ થતા આ ગામો-શહેરોમાંથી નૂડા રદ થઈ જાય ! અહીં ઉલ્લેખનીય છે કે નૂડાની રચના બૂમરેંગ જ પૂરવાર થઈ છે. 97 ગામોમાંથી માંડ 15 ગામ જ હાલ રહ્યા છે અને નવા ડી.પી.ના પણ ઠેકાણા નથી.

અચાનક જોશભેર પુન: માંગ કેમ?
તાજેતરમાં ગુજરાત સરકારમાં 8 શહેરોને મહાપાલિકા બનાવવાનો મુસદ્દો તૈયાર થઈ વિચારાધીન હોવાના અહેવાલ બહાર આવ્યા હતા. આ 8 શહેરોમાં આણંદ, ભરૂચ, નડિયાદ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા અને વલસાડ છે અને નવસારી નથી. આ અહેવાલ બાદ ‘નવસારી મહાપાલિકા’ની રજૂઆત પુન: જોર પકડ્યાની પણ ચર્ચા છે. જોકે ધારાસભ્ય પિયુષ દેસાઈ આ વાત નકારે છે.

મહાપાલિકાથી વિકાસ સારો થાય
મહાપાલિકા બનાવવા માટે 3 લાખની વસતિ જરૂરી હોય છે. જોકે જૂનાગઢને સ્પેશ્યલ કેસમાં 2.86 લાખની વસતિએ મહાપાલિકા બનાવાઈ હતી. નવસારી મહાપાલિકાના સૂચિત વિસ્તારની 2011ની વસતિ જે હોય તે પરંતુ હાલ 3.50 લાખ છે. જો નવસારીની સાથે લાગુ વિસ્તારોને જોડી મહાપાલિકા બનાવાય તો વિકાસ વધુ સારો થઈ શકે ! - પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી