21 May 2018

નવસારી સ્ટેશન પરનાં તૂટેલાં ડિવાઇડર ટ્રાફિક માટે ભારે જોખમી


નવસારી શહેરના ટ્રાફિક નિયંત્રણ માટે બનાવાયેલ ડીવાઇડર જ ઠેકઠેકાણે તૂટી ગયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવસારી પંથકમાં વાહનોનું પ્રમાણ વધ્યું છે. વધેલા વાહનોની સામે રસ્તાની સંખ્યામાં વધારો થયો નથી. જેના કારણે ઠેકઠેકાણે ટ્રાફિકની સમસ્યા પેદા થઇ રહી છે.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા પાલિકાએ શહેરનાં અનેક માર્ગો ઉપર ડીવાઇડર બનાવ્યા છે. જેના કારણે વાહનો શિસ્તબધ્ધ રીતે એક બાજુથી જ પસાર થાય છે. આવા જ ડીવાઇડરનું નિર્માણ નગરપાલિકાએ શહેરનાં સ્ટેશન રોડ ઉપર કર્યુ છે. ડીવાઇડરને કારણે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં થોડી રાહત પણ થઇ છે.

કેટલાક સમયથી સ્ટેશન રોડ ઉપરનાં ડીવાઇડરોની હાલત બગડી છે, ઠેકઠેકાણે ડીવાઇડરો તૂટી ગયા છે. ડીવાઇડરો કેટલીક જગ્યાએ વધુ તૂટી જતાં વાહનચાલકો જોખમી રીતે એક બાજુથી બીજી બાજુએ જઇ રહ્યાં છે. જે ટ્રાફિકની સમસ્યા હલ કરવાને બદલે સમસ્યા વધારી રહ્યાં છે. સ્ટેશન પેટ્રોલપંપથી સાંઢકુવા સુધી આ હાલત છે. ડીવાઇડરો તૂટવાની સમસ્યા હાલની નથી, ઘણા સમયની છે. આમ છતાં પાલિકા આ તૂટેલા ડીવાઇડરો મરામત કરતી નથી.