5 May 2018

એડવોકેટ ધરણાં ઉપર: નવસારીમાં વકીલો અને ડીએસપી સામસામે


નવસારીના એડવોકેટને ડીએસપી દ્વારા ગેટઆઉટ કરવાને મામલે વકીલો શુક્રવારે કલેકટરાલય મોરચો લઇ ગયા અને ડીએસપી સામે પગલા લેવાની માંગ કરી દીધી હતી. નવસારીના એડવોકેટ પ્રદીપ ગડઅંકુશ ગુરૂવારના રોજ પોતાનાં અસીલ સાથે જિલ્લા પોલીસવડા ડો.ગિરીશ પંડ્યાને મળવા ગયા હતા. મહુવા તાલુકાની છોકરીનું જલાલપોર તાલુકામાં થયેલ અપમૃત્યુના કેસમાં મળવા ગયા હતા.આ મુલાકાત દરમિયાન એડવોકેટ ગડઅંકુશના જણાવ્યા મુજબ પોલીસ વડાએ ખૂબ જ અપમાનજનક વર્તક કરી તેઓને ‘ગેટ આઉટ’ કરી દીધા હતા.એક વકીલ સાથે ગેરવર્તન કરાયાનો મામલો વકીલ આલમ પણ રોષે ભરાયું છે.

વકીલ ગડઅંકુશનું ડીએસપીએ કથિત અપમાન કર્યાનો મામલો વકીલ મંડળના દરબારમાં ગયો
આજે શુક્રવારે નવસારી ડીસ્ટ્રીક્ટ બાર એસોસીએશનના નેજા હેઠળ પ્રમુખ દિપક ગુપ્તાની આગેવાનીમાં વકીલો કલેક્ટરની અનઉપસ્થિતિમાં એડીશનલ કલેક્ટર કે.એસ.વસાવાને મળ્યા હતા. મુલાકાત દરમિયાન એડવોકેટ સાથે ડીએસપી ડૉ.પંડ્યાએ કરેલ કથિત ગેરવર્તણુંકની વાત કરી કલેક્ટરને ઉદ્દેશીને લખેલ લેખિત આવેદન પણ આપ્યું હતુ. જેમાં વકીલોએ ગુરૂવારની ઘટનામાં સમગ્ર વકીલ મંડળનું અપમાન કર્યાનું જણાવી ડીએસપી સામે પગલા લેવાની માંગ કરી હતી. સાથોસાથ એમ પણ જણાવ્યું હતુ કે, વકીલના કરાયેલા અપમાન બદલ તાત્કાલીક ડીએસપીની બદલી થવી જોઇએ તથા તેમણે માફી પણ માંગવી જોઇએ. વકીલ મંડળે તો ત્યાં સુધી કહ્યું કે આ પ્રકરણમાં જો કોઇ કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

ગેટઆઉટ કહી બહાર કર્યા
સગીરાનાં મૃત્યુ પ્રકરણે રજૂઆત કરવા ગયા ત્યારે ડીએસપીએ મારા અસીલને કહ્યું કે, વકીલની કોઇ જરૂર નથી, વકીલને અહીં શા માટે લાવ્યાω મને કહ્યું કે અહીં દલીલ બહુ નહીં કરવાની, દલીલ તમારે કોર્ટમાં જ કરવાની હોય છે પછી મને ‘ગેટઆઉટ ગેટઆઉટ’ કહીને બહાર કરી દીધા હતા.- પ્રદીપ ગડઅંકુશ, એડવોકેટ નવસારી

વકીલનું અપમાન કરાયું નથી
મહુવા તાલુકાની સગીરામાં મૃત્યુ બાબતે તેના વાલીઓ સાથે વકીલ આવ્યા હતા. ત્યારે મે વાલીઓને કહ્યું કે રજૂઆત કરવા આવવા માટે વકીલ લાવવા ફરજીયાત નથી, તમે એકલા પણ આવી શકો છો. આવું કહેતા વકીલને લાગી આવ્યું અને તેઓ ગમે તેમ બોલવા લાગ્યા હતા. તેથી મે તેમને કહ્યું કે ‘ડીસીપ્લીનમાં રહો મે બૂમાબૂમ ન કરો, બહાર જતા રહો’. મારા દ્વારા વકીલનું કોઇ અપમાન કરાયું ન હતુ. -  ડૉ. ગીરીશ પંડ્યા, ડીએસપી, નવસારી જિલ્લા

એડવોકેટ ધરણાં ઉપર
નવસારીમાં ગુરૂવારે જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યાએ પોતાની સાથે કરેલ ગેરવર્તણુંક મામલે એડવોકેટ પ્રદીપ ગડઅંકુશ નવસારી કલેક્ટર કચેરી નજીક પ્રતિક ધરણાં ઉપર બેઠા હતા. દિવસ દરમિયાન ધરણાં ઉપર બેસેલ ગડઅંકુશના ધરણાં બપોર બાદ વકીલોએ છોડાવ્યા હતા.