10 May 2018

નવસારીમાં વાહનચાલક પાસે રસીદ ન બનાવી નાણાં લેતો પોલીસકર્મી સસ્પેન્ડ


આર.ટી.ઓ. નો મેમો આપવાને બહાને વાહન ચાલકો પાસે મોટી રકમનું ઉઘરાણું
નવસારીમાં ટ્રાફિક પોલીસ જવાનો આર.ટી.ઓ. નો મેમો આપવાને બહાને વાહન ચાલકો પાસે મોટી રકમનું ઉઘરાણું કરતાં હોવાની બૂમ ઉઠી છે પરંતુ પુરાવાને અભાવે આ પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં લેતુ નથી. હાલમાં વિરાવળ જકાતનાકા પાસે ટ્રાફિક પોઇન્ટ પર પૈસા લેવા જતાં પોલીસ જવાનને ભારે પડ્યું હતું.

હેડ કોન્સ્ટેબલ મહેશ વિનાયકે રૂ. 200 સ્વીકારી હવે સાચવવા વાહન ચાલકને કહ્યું હતું. આ સમગ્ર ઘટનાનું મોબાઇલમાં રેકોર્ડિંગ કરાયું હતું, જે રેકોર્ડિંગ સોશ્યલ મિડિયામાં ફરતું થયું હતું. જેને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. નવસારીના કેટલાક જાગૃત નાગરીકોએ આ વિડિયો જિલ્લા પોલીસવડા ડૉ. ગિરીશ પંડયાને મોકલતાં તેમને આ મામલો ગંભીરતાથી લીધો હતો અને વિડિયોમાં ખુલ્લેઆમ પૈસા લેનાર હેડ કોન્સ્ટેબલ મહેશ વિનાયકને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કર્યા હતા. આ ઘટનાને પગલે લાંચીયા પોલીસ જવાનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વાયરલ થયેલા વિડયોમાં પોલીસ કર્મીએ રૂ. 400 માંગ્યા હતા તેની સામે રૂ. 200માં પતાવટ થઇ હતી.

પહેલાં રૂ. 400ની માગણી કરવામાં આવી હતી 
વિરાવળ ખાતે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ મહેશ વિનાયકે એક વાહન ચાલક પાસેથી રૂ. 400ની માંગણી કરી હતી. જોકે તેમના એક એજન્ટે વાહનચાલકને સમજાવી રૂ. 200 આપવાનું સમજાવતાં વાહનચાલક રૂ. 200 આપવા તૈયાર થયો હતો. જેથી હેડ કોન્સ્ટેબલને પાછા બોલાવી રૂ. 200 આપ્યા હતા.