12 May 2018

નવસારી APMCમાં એક જ દિવસમાં 12 હજાર મણ કેરી ઠલવાઈ છતાં મોંઘી


વર્તમાન વર્ષે નવસારી ખેતીવાડી બજારમાં આજદિન સુધી 1.40 લાખથી વધુ મણ કેરીનું વેચાણ થયું છે

રાજય સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના મહત્ત્વના પાકમાં કેરી, ચીકુ, ડાંગર અને શેરડીનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે પણ કમોસમી વરસાદ, ધુમ્મસ અને વાવાઝોડા પડતા કેરીના પાક ઓછો ઉતરશે એવી ભીતિ સેવાઈ રહી હતી પરતું એવા સંજોગોમાં પણ આ વખતે કુદરતે જગતના તાતને આશીર્વાદ આપી કેરીના સારા ભાવો અપાવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. દક્ષિણ ગુજરાતની કેસર કેરીનો સ્વાદ સમગ્ર દેશ અને દુનિયામા વખાણાય છે ત્યારે નવસારી ખેતીવાડી બજારમાં રોજ 10થી 12 હજાર મણથી વધુની કેરીઓ ઠલવાતા વેપારીઓ પણ ગેલમાં જોવા મળે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરે રાજયોમાં વેપારીઓ કેરી મોકલવાની તૈયારીઓ આરંભી છે અને ચાલુ સાલે કેરીનો પાક ત્રણ ફાલમાં થયો છે.

છેલ્લા 3-4 વર્ષમાં કલાયમેટ ચેન્જ નામના દુષણે કેરીના પાકને નષ્ટ કરવામાં કોઈ કસર છોડી નથી. ધુમ્મસિયુ વાતાવરણ કેરીના પાક ઓછો ઉતારવાનું મુખ્ય કારણ બન્યું હતું, જેના કારણે ખેડૂત, વેપારી અને ગ્રાહકોએ સહન કરવું પડ્યું હતું પરંતુ ચાલુ વર્ષે પણ ઓખી વાવાઝોડાની અસર છતાં આ વખતે સારી કેરી નવસારી એપીએમસી માર્કેટમાં ઠલવાય રહી છે.

નવસારી એપીએમસી માર્કેટમાં અન્ય માર્કેટોની સરખામણીએ કેરી આવવાની વહેલી શરૂ થઈ હતી. એપ્રિલ માસની શરૂઆતથી માલ આવવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં જથ્થો ઓછો આવતો હતો, જેમાં છેલ્લા કેટલાક વખતથી વધારો થયો છે. એપ્રિલના અંતમાં ભાવો ખુબ વધુ હતા તેના કરતા પ્રમાણમાં ભાવ ઘટ્યા છે પરંતુ હજુ પણ ભાવ સારા જણાઈ રહ્યા છે. નવસારી ખેતીવાડી બજારમાં આજદિન સુધી 1.40 લાખથી વધુ મણ કેરીનું વેચાણ થયું છે. કેરીનો પાક આગામી સમયમાં વધુ બજારમાં આવશે. હજુ તો કેરીનો ઘણો જથ્થો વૃક્ષ ઉપર છે. તેથી આવનારા દિવસોમાં પણ ઘણી કેરી માર્કેટમાં ઠલવાશે એ નક્કી છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને પારડી એપીએમસી માર્કેટમાં કેરીની આ સિઝનમાં વાતવરણની અસરના કારણે ઓછી કેરીઓ આવી રહી છે. ત્યારે નવસારીની એપીએમસીમાં દર વર્ષે કેરીની આવકમાં વધારો થઇ રહ્યો છે.

નવસારીમાં કેરીનો જથ્થો ક્યાંથી આવ છે
આમ તો નવસારી એપીએમસી માર્કેટનો મુખ્ય બેઝ નવસારી અને જલાલપોર તાલુકો જ છે અને આ બે તાલુકામાંથી તો કેરીનો જથ્થો સારો આવે જ છે. આ ઉપરાંત ચીખલી, ગણદેવી સહિત સમગ્ર જિલ્લામાંથી ઉપરાંત પલસાણા, બારડોલી, મહુવા પંથકમાંથી પણ કેરીનો જથ્થો નવસારી માર્કેટયાર્ડમાં ઠલવાય છે.

વેપારીઓને ખાતરીની મળતી કેરી 
કેરીનો પાક પ્રમાણમાં ચાલુ સાલ ઓછો હોવા છતાં નવસારી માર્કેટયાર્ડમાં વધુ માલ ઠલવાવા અંગે જાણવા મળ્યું કે નવસારીમાં વેપારીઓને ખાતરીની સારી ગુણવત્તાની કેરી મળે છે. જેને લઈને અહીં ગુજરાતના અન્ય જિલ્લાની સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યમાંથી પણ વેપારીઓ કેરી ખરીદવા આવે છે. માર્કેટયાર્ડમાં સારી વ્યવસ્થા હોવાથી ખેડૂતોને પણ ફાયદો થાય છે. જેથી મોટા જથ્થામાં કેરી અહીં નવસારી એપીએમસીમાં આવી રહી છે.

વર્ષોવર્ષ આ દિવસે નવસારી એપીએમસીમાં કેરીની આવક 
2014 - 3થી 4 હજાર મણ
2015 - 3થી 4 હજાર મણ
2016 - 6 હજારથી વધુ
2017 - 8થી 9 હજાર મણ