15 May 2018

નવસારીમાં 4 મકાનના તાળા તૂટ્યા, 1માં ચોરી


ગફુર પેલેસમાં બંધ મકાનમાંથી 36 હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

નવસારીમાં તસ્કરોએ માથુ ઉચક્યું હોવાનો લોકોને અનુભવ થયો છે. શહેરના તરોટાબજાર નજીક નવીનગરી વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને રાત્રે નિશાન બનાવ્યું હતું. ગફુર પેલેસમાં રહેતા ફજીલા જાવેદભાઈ ગુલામ શેખ તેમના પરિવાર સાથે ઉભરાટ ગયા હતા અને ત્યાં રોકાયા હતા. એ દરમિયાન તેમના ભાડેના બંધ મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ બંધ મકાન હોવાથી તેનો લાભ ઉઠાવી તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે મોબાઈલ, એલઈડી તથા ત્રણ કાંડા ઘડિયાળ મળી કુલ રૂ. 36 હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતા જ ફજીલા શેખે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પીએસઆઈ વી.ઝેડ. મહિરેએ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસ કરી રહી છે. એ બાદ તપાસને વેગ મળે તેવી શક્યતા છે.


તસકરોએ બે દિવસ અગાઉ અન્ય 3 બંધ મકાનને પણ નિશાન બનાવ્યા
તસ્કરોએ બે દિવસ અગાઉ રાત્રે 1.30 કલાકની આસપાસ નવીનગરીમાં જ આવેલ લુબના, નવાઝ અને અમીર રો હાઉસમાં પણ તાળા તોડ્યા હતા. જોકે તેઓ એ વખતે ફાવ્યા ન હતા.