16 May 2018

પર્યટન ગ્રાંટમાંથી બનાવાયેલો ડાન્સીંગ ફુવારો વેકેશનમાં પણ આમજનતા માટે બંધ


નવસારીના ડાન્સીંગ ફુવારાને વેકેશનના સમયમાં પણ પાલિકાએ આમજનતા માટે ખૂલ્લો મૂક્યો નથી. પર્યટન ગ્રાંટમાંથી બનાવેલ ફૂવારાનું ઘણા સમયથી પાલિકાએ વેપારીકરણ કરતાં સામાન્ય નાગરીક કે તેના બાળક ફુવારાને નિહાળી શક્તા નથી.

નવસારી શહેરમાં આજથી 8-10 વર્ષ અગાઉ પાલિકાએ મ્યુઝીકલ ડાન્સીંગ ફુવારો બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે સરકારમાં દરખાસ્ત કરાતાં પર્યટનની ગ્રાંટ પાલિકાને મળી હતી. આ ગ્રાંટમાંથી નગરપાલિકાએ ટાટા હોલની નજીક શહેરનો પ્રથમ મ્યુઝીકલ ડાન્સીંગ ફુવારો બનાવ્યો હતો. શરૂઆતનાં સમયમાં આ ફુવારો આમજનતા માટે જ લગભગ વિનામૂલ્યે ખૂલ્લો મૂકાયો હતો. જોકે સમય જતાં લોકોની હાજરી ઓછી હોવાનાં કારણે, મેન્ટેનન્સ ખર્ચ કાઢવા યા અન્ય કારણએ ફૂવારાનું પાલિકાએ વેપારીકરણ કર્યુ હતુ. છેલ્લા કેટલાક વર્ષથી ડાન્સીંગ ભાડુ વસુલી આપવામાં આવી રહ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે વેપારીકરણ કરાયા બાદ આ ફુવારો આમજનતા માટે દુર્લભ બન્યો છે. ગરીબ સામાન્ય વર્ગનાં લોકો તેને માણી શકતા નથી. વેકેશન જેવા સમયમાં પણ પાલિકા આમજનતા માટે ખૂલ્લો મૂકતી નથી. ત્રણેક વર્ષ અગાઉ પાલિકા પ્રમુખ હેમલતા ચૌહાણે વેકેશનમાં આમ જનતા માટે ખૂલ્લો મૂકાવ્યો હતો. હાલ વેકેશન ચાલી રહ્યું છે પરંતુ આમજનતા માટે ફુવારો અઠવાડિયામાં એક-બે દિવસ પણ ખૂલ્લો મૂકાતો નથી.

આ અંગે પાલિકાનાં વિપક્ષી સભ્ય ઈકબાલ ઉસ્માનીએ જણાવ્યું કે, 'અગાઉ મે આમજનતા માટે ફુવારો ચાલુ' રાખવા માટે રજુઆતો કરી હતી. નવસારીમાં જ્યારે હરવા ફરવાની વધુ જગ્યા નથે ત્યારે ડાન્સીંગ ફુવારો સામાન્ય જનતા માટે ખૂલ્લો મૂકાવો જ જોઈએ.

આ અંગે નવસારી પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈએ જણાવ્યું કે, 'આ બાબતે પાલિકામાં ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.'