22 May 2018

2017માં સ્વચ્છતામાં પ્રથમ ઈનામ મેળવનાર નવસારીને 2018માં ડીંગો


સ્વચ્છતા સર્વેક્ષણ 2017મા અવ્વલ રહી સમગ્ર પશ્ચિમ ભારતની 2 લાખથી ઓછી વસતિવાળી પાલિકામાં પ્રથમ ક્રમે રહેનાર નવસારી પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ 2018મા પછડાઈ છે. નવસારી પાલિકાને 2018માં સ્વચ્છતાનો કોઈ જ એવોર્ડ ન મળતા અને નોંધ ન લેવાતા શહેરની સ્વચ્છતાની કામગીરી ઉપર સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા છે. સોલીડવેસ્ટ અને કચરાના વર્ગી કરણનો અભાવ પણ પાલિકાને નડી ગયો હોય તેમ લાગે છે.

2 લાખથી ઓછી વસ્તીવાળા શહેરમાં સ્વચ્છતા સંદર્ભે નવસારી પ્રથમ હતું
ગત વર્ષથી ભારત સરકારે દેશના શહેરોમાં સ્વચ્છતા દાખવવા હરિફાઈ શરૂ કરાઈ છે. જેનું નામ ‘સ્વચ્છતા સર્વેક્ષણ’ આપવામાં આવ્યું છે. પ્રથમ વર્ષે 2017માં સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા હતા તેમાં નવસારી શહેર પશ્ચિમ ભારતની 2 લાખથી ઓછી વસતિવાળા શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું હતું અને ઈનામ પ્રાપ્ત કર્યું હતું. આ એવોર્ડ મળવાથી સમગ્ર શહેર અને રાજ્યમાં નવસારી પાલિકાની વાહવાહ થઈ ગઈ હતી.

2017 બાદ ચાલુ વર્ષે 2018માં પણ સ્વચ્છતા સર્વેક્ષણ દેશભરમાં થયું હતું. જોકે આ વખતે નવસારી શહેરને સ્વચ્છતાની રેસમાં કોઈ ઈનામ તો ન મળ્યું પરંતુ નોંધ સુદ્ધાં લેવાઈ નથી. જે 52 (બાવન) એવોર્ડ જાહેર કરાયા છે. તેમાં નવસારી શહેર ક્યાંય નથી. ગત વર્ષે ટોપ ઉપર જઈ પશ્ચિમ ભારતમાં અવ્વલ રહેલી નવસારી બીજા જ વર્ષે સ્વચ્છતાની રેસમાં કેમ પછડાયું આ અંગે મળતી માહિતી મુજબ 2018માં પણ નવસારીમાં સિટીઝન ફીડબેક સારો હતો. અન્ય કેટલીક બાબતો પણ સારી હતી પરંતુ આ વર્ષે જેના ઉપર ભાર મુકાયો એ બે બાબતોમાં ઉણુ ઉતર્યું હતું.

2018માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરાનો નિકાલ) અને કચરાનું સેગ્રીગેશન (સૂકા-ભીના કચરાનું વર્ગીકરણ) ઉપર ભાર મુકાયો હતો. બંને બાબતોમાં નવસારીની સ્થિતિ સારી નથી. પાલિકા જ્યાં ઘન કચરાનો નિકાલ કરે છે એ બંદર રોડ સ્થિત ‘ડમ્પિંગ સાઈટ’ ઢંગઢડા વગરની છે, ત્યાં પર્યાવરણના મહત્તમ નિયમોનું ઉલ્લંઘન થાય છે તો સૂકો-ભીનો કચરો અલગ અલગ રહીશો પાસેથી ઉઘરાવાતો પણ નથી. બધા પ્રકારનો કચરો એકસાથે જ ઉઘરાવી એક જગ્યાએ ઠલવાય છે. હાલના સ્વચ્છતા સર્વેક્ષણે એક જ વર્ષમાં નવસારીનો સ્વચ્છતામાં નં. 1નો નશો ઉતારી દીધો છે એમ કહીએ તો નવાઈ નથી!

ઢંગઢડા વગરની ડમ્પિંગ સાઈટ
નવસારી પાલિકાની ડમ્પિંગ સાઈટની મુલાકાત જીપીસીબીના અધિકારીઓએ લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઘન કચરાના નિકાલમાં ગંભીર ઉણપો દેખાઈ હતી. કચરો સળગાવવાનો હોતો નથી છતાં સળગતો દેખાયો. ફાળવેલ જગ્યા કરતા વધુ જગ્યાએ જ્યાંને ત્યાં કચરો ઠલવાતો જોવાયો ! કચરાની સાઈટે રખડતા ઢોરોની હાજરી દેખાઈ હતી. કચરાનું ખાતર બનાવવાની પ્રક્રિયા યોગ્ય ન જણાઈ ઉપરાંત અનેક ક્ષતિઓ જણાઈ હતી. આ ક્ષતિઓ ‘સ્વચ્છતા સર્વેક્ષણ’ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરવા આવેલી ટીમને પણ દેખાઈ હતી.

ગુજરાતમાં માત્ર અંકલેશ્વરનો જ નંબર
નવસારી પાલિકાને 2017માં એવોર્ડ મળ્યો અને 2018માં ન મળ્યો તે બાબતે અન્ય ચર્ચા પણ ચાલી છે. એવોર્ડમાં સેટીંગ કરાતું હોવાની ચર્ચા છે. એવી વાત ચાલે છે કે ગત વર્ષે ગુજરાતમાં ચૂંટણી હતી એટલે રાજ્યના અનેક શહેરોને સ્વચ્છતાના ઈનામો મળ્યા, જ્યારે 2018માં વધુ ઈનામો આગામી સમયમાં થનારી ચૂંટણીવાળા રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકના ફાળે ગયા હતા, ગુજરાતમાં આ વર્ષે માત્ર અંકલેશ્વરને જ એક ઈનામ મળ્યું !

પોઈન્ટ એચીવ ન થયા
સ્વચ્છતા સર્વેક્ષણમાં પોઈન્ટ એચીવ કરવાના હોય છે. આ વખતે કેટલાક પોઈન્ટો આપણે સ્વચ્છતા મામલે ‘એચીવ’ ન કરી શક્યા, જેથી ઈનામ ન મળ્યું. -અલકાબેન દેસાઈ, પ્રમુખ, નવસારી પાલિકા