24 May 2018

નવસારીમાં માત્ર 1 સરકારી કચેરી સામે 6 ખાનગી બિલ્ડિંગમાં વોટર હાર્વેસ્ટિંગ


સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પાણીની બૂમરાણ ઉઠ્યા બાદ સરકાર મોડે મોડે જાગી છે અને તેના ફળસ્વરૂપે જળસંચય કરવા તળાવો ઉંડા કરવાની કામગીરી શરૂ કરી છે. સુજલામ સુફલામ યોજના હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી રહી છે. જોકે સરકારી કચેરીઓમાં પણ જો જળસંચય (વોટર હાર્વેસ્ટીંગ) પદ્ધતિ દાખલ કરી હોત તો આજે આવી સ્થિતિ નિર્માણ પામી ન હોત. સરકારની ઉદાસીનતાને કારણે જ નવસારીમાં માત્ર એક જ સરકારી કચેરીમાં આ સિસ્ટમ છે. તેની સામે શહેરમાં 6 બિલ્ડિંગમાં 15 વર્ષ પહેલા આ સિસ્ટમ અપનાવી હતી. એ જોતા તંત્રની ઉદાસીનતા બહાર આવી છે.

જિલ્લામાં સરકાર કરતા લોકો જાગૃત રહેતા પાણીનો સંચય થયો
નવસારી શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ (વોટર હાર્વેસ્ટીંગ) કરી ભૂગર્ભ જળસ્તર ઉંચુ લાવવા માટે એકલદોકલ સરકારી કચેરી અને પ્રોજેકટને બાદ કરતા આજદિન સુધી કોઈ કાર્યવાહી જ કરાઈ નથી. એક તરફ સરકાર જળસંગ્રહ માટે અભિયાન છેડી ચૂકી છે ત્યારે નવસારીમાં જળસંગ્રહ માટે યોગ્ય કાર્યવાહી જ ન કરાઈ તેને લઈ વહીવટીતંત્રની ઉદાસીનતા સામે આવી છે.

રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળઅભિયાન 2018નો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અભિયાનમાં ભારે રસ દાખવી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી રાજ્યભરમાં પાણીને લઈ ભારે બૂમરાણ ઉઠી છે. પાણીની અછતને લઈ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. નવસારીમાં પણ અંતરિયાળ ગામોમાં પાણીની મોટી તકલીફ ઉભી થઈ હતી. નવસારી શહેરમાં પણ પાણીનો સંગ્રહ કરવા તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે પરંતુ શહેરમાં પ્રોજેકટમાં જરૂરી જળસંગ્રહ (વોટર હાર્વેસ્ટીંગ) એકલદોકલ પ્રોજેકટને બાદ કરતા ક્યાંય જોવા મળ્યો નથી.

શહેરમાં 600થી વધુ બિલ્ડિંગો છે. ઉપરાંત નવસારી માર્ગ અને મકાન વિભાગના નવું બિલ્ડિંગમાં 2005માં જળસંચય (વોટર હાર્વેસ્ટીંગ) સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે પરંતુ તેને બાદ કરતા ક્યાંય સરકારી કચેરીઓમાં પણ આ સિસ્ટમ લાગુ કરાઈ નથી. સરકારી કચેરીઓમાં જ જ્યારે આ જળસંચય સિસ્ટમની અમલવારી કરાઈ નથી ત્યારે અન્ય પ્રોજેકટમાં તે અંગે કેટલી ગંભીરતા દાખવાશે તે પણ મોટો પ્રશ્ન છે. તેની સામે શહેરમાં 15 વર્ષ પહેલા 6 જેટલી બિલ્ડિંગમાં આ જળસંચય પદ્ધિત દાખલ કરવામાં આવી હતી.

દરેક બિલ્ડરે જળસંચય સિસ્ટમનો અમલ કરવો જોઈએ
હાલ જે રીતે પાણીની સમસ્યા ઉદભવી છે તે જોતા જળસંચય (વોટર હાર્વેસ્ટીંગ) સિસ્ટમ અનિવાર્ય જણાય રહી છે. શહેરમાં 600થી ‌વધુ બિલ્ડિંગ છે. તેમાં 100 જેટલા બિલ્ડિંગમાં આ સિસ્ટમ લાગુ કરી શકાય તેમ છે. તે માટે સ્થાનિક સોસાયટીએ પહેલ કરવી પડે. આ ઉપરાંત બિલ્ડરોએ પણ પ્રોજેકટમાં હવે પછી આ સિસ્ટમનો અસરકારક રીતે અમલ કરવો પડશે. સરકારે ચાલુ વર્ષે આ બાબતે ગંભીરતા દાખવી છે.- ભરતભાઈ સુખડીયા, ક્રેડાઈ જોઈન્ટ સેક્રેટરી, નવસારી

કઈ કઈ બિલ્ડિંગમાં જળસંચય પદ્ધતિ
શહેરના મુક્તાનંદ, શિવાનંદ, નિત્યાનંદ, સત્સંગ, મહર્ષિ, યોગાનંદ એપાર્ટમેન્ટમાં જળસંચય (વોટર હાર્વેસ્ટીંગ) પદ્ધતિ દાખલ કરવામાં આવી છે.

બોરનું પાણી ચોખ્ખુ રહે તે હેતુથી અમલ કર્યો
15 વર્ષ અગાઉ મેં એક આર્ટીકલ વાંચ્યો હતો અને તે હતો જળસંચય (વોટર હાર્વેસ્ટીંગ) અંગેનો. વરસાદી પાણી વેડફાય જાય તેના કરતા તેનો યોગ્ય ઉપયોગ થાય, જમીનમાં જળસ્તર ઉચું રહે અને બોરનું પાણી ચોખ્ખુ રહે તે હેતુથી જળસંચય પદ્ધતિ બિલ્ડિંગમાં દાખલ કરી હતી.> સંજયભાઈ દેસાઈ, વોટરહાર્વસ્ટિંગ કરનાર બિલ્ડર

હાલ સરકારી એક જ માર્ગ મકાન વિભાગની કચેરીમાં જળસંચય સિસ્ટમ છે!
સરકારી કચેરીઓમાં હાલ માર્ગ મકાન વિભાગની કચેરીમાં જ જળસંચય સિસ્ટમ છે. અન્ય કચેરી અંગેનું હજી સુધી ધ્યાન ઉપર નથી. - જે.જી. ખેર, એક્ઝિક્યુટીવ એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ, નવસારી

હવે પછીના પ્રોજેકટમાં અમલીકરણ થશે
જળસંચય સિસ્ટમ નવસારી શહેરમાં કેટલીક બિલ્ડિંગોમાં છે તે અંગે ખાસ ખ્યાલ નથી. કદાચ શહેરમાં એક-બે પ્રોજેકટમાં તે છે. બાકી હવે પછીના પ્રોજેકટમાં તેને આવરી લેવાશે. સરકારમાંથી તે અંગે ચાલુ વર્ષે સૂચનો પણ કરાયા છે. - નીતિનભાઈ શાહ, નૂડા અધિકારી