25 May 2018

નવસારીમાં ‘અજગરવાળા બાગ’ની કાયાપલટ થશે


સમગ્ર નવસારી પંથકમાં ‘અજગરવાળા બાગ’ તરીકે પ્રખ્યાત બાળક્રિડાંગણ ગાર્ડનની 50 લાખના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે.

નવસારીમાં વરસો અગાઉ ચાંદની ચોક, પાર ફળિયા નજીક બાળક્રિડાંગણ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં બાળકોના રમવા માટે અનેક સાધનો મુકવામાં આવ્યા હતા. સાથે અજગરની કૃતિમાં લપસણી પણ મુકવામાં આવી હતી. આ અજગર ભારે લોકપ્રિય થયો હોય સમગ્ર પંથકમાં આ ગાર્ડન બાળક્રિડાંગણ કરતા ‘અજગરવાળા બાગ’ તરીકે જ જાણીતો બન્યો હતો. આમ તો આ બાગમાં વરસોવરસ થોડો સુધાર, નવા સાધનો મુકવામાં આવ્યા છે પરંતુ હવે બાગની કાયપલટ કરવાનો નિર્ણય લેવાયો છે.

પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારની ‘અમૃત યોજના’ની ગ્રાંટમાંથી આ ગાર્ડનમાં નવીનતા લવાશે. આ માટે અંદાજે 50 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવશે. પ્રથમ કમિટીમાં મંજૂરી અપાયા બાદ પાલિકાની સામાન્ય સભામાં પણ આ કામને મંજૂરી આપવામાં આવશે. બાગના ગેટ સહિત અનેક ફેરફારો અને નવીનતા આપવામાં આવશે. જોકે સવાલ છે કે બાગની ઓળખ સમો ‘અજગર’ યથાવત રખાશે યા કાઢી નંખાશે.

આ બાબતે પાલિકાની ગાર્ડન સમિતિના ચેરમેન શીલાબેન દેસાઈએ જણાવ્યું કે બાગમાં અનેક સુવિધા વધારી ફેરફાર તો કરાશે પરંતુ ‘અજગર’ યથાવત રખાશે. જોકે તેની મરામત જરૂર કરાશે.