26 May 2018

પરિણીતા અપ મૃત્યુ કેસમાં પતિ અને સાસુ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો


નવસારીનાં લુન્સીકુઇ વિસ્તારમાં આવેલ પ્રેમ રેસીડેન્સીમાં ગુમ થયેલ પરણિતાની લાશ મળી આવતા મૃતકના પિતાએ તેના સાસરીયા વિરૂદ્ધ મૃત્યુ માટે દુષ્પ્રેરણા આપી હોવાનો ગુનો ટાઉન પોલીસ મથકમાં નોંધાવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર નવસારીમાં સરબતીયા તળાવ વિસ્તારમાં આવેલા લુન્સીકુઇ નજીક પ્રેમ રેસીડેન્સીમાં રહેતી પરણિતા રીયાબેન સુમિતભાઇ મોદી બુધવારે મોડી સાંજે ઘરમાંથી અચાનક ગાયબ થઇ ગયા હતા. આ બાબતે ગુમ થનાર રીયાબેનના પતિ સુમિત મોદીએ નવસારી ટાઉન પોલીસ મથકમાં તે અંગે જાણ કરી હતી. તે દરમિયાન ગુરૂવારે પરણિતાની લાશ મળી આવી હતી. પોલીસે તેની નોંધ લઇ તપાસ હાથ ધરી હતી.

આજે શુક્રવારે પરણિતાના મૃતદેહનું એફએસએલ સુરત ખાતે પીએમ કરાયું હતુ. જ્યાં એફએસએલની ટીમે વિસેરા લીધા હતા. આ ઘટનામાં મૃતકના પિતા અનિલ પંચોલી (રહે.વ્યારા) એ પોતાની દિકરીના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી મૃતકના પતિ અને તેની માતા સામે દુષ્પ્રેરણા આપી હોવાનો ગુનો નોંધાવ્યો છે.

તેણે ફરિયાદમાં પોતાની દિકરીને શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની અને તેના કારણે તેણે કંટાળી જઇ પાંચમાં માળેથી કુદી આપઘાત કરી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ ઉપરાંત દિકરીને સાસરીયાઓએ મારી નાંખી નીચે ફેકી દીધાની શંકા પણ તેમણે ફરિયાદમાં વ્યક્ત કરતા પી.આઇ. એલ.કે.પઠાણે આ પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં મહિલા બુધવારે ગુમ થયા બાદ ગુરુવારે મોડેમોડે એપાર્ટમેન્ટમાંથી જ લાશ મળતા સમ્રગ ઘટનામાં અનેક સવાલો ઉભા થયા છે.