31 May 2018

નવસારીમાં બેંકનું કામકાજ ઠપ, 25 કરોડનું ક્લીયરિંગ ખોરવાયું


પગારવધારા સહિતની પડતર માંગો ન સ્વીકારાતા નવસારી પંથકની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના 300 કર્મચારીઓ આજે 30મીએ હડતાળ ઉપર જતા બેંકિંગ કામકાજ ઠપ થયું હતું. જોકે ખાનગી અને સહકારી ક્ષેત્રની બેંકોનું કામકાજ ચાલુ રહ્યું હતું.

મુખ્યત્વે પગારવધારા સહિતની માંગો ન સંતોષાતા રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા 30 અને 31મી મેના રોજ હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન સંદર્ભે હડતાળના પ્રથમ દિવસ 30મીના રોજ નવસારી પંથકના રાષ્ટ્રીયકૃત બેંકોના 300 જેટલા (જિલ્લાના 1100) કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. મોટાભાગના કર્મચારીઓ કામ ઉપર ગયા ન હતા અને જિલ્લાની લીડ બેંક બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખામાં હડતાળને લઈ કામકાજ બંધ હોવાની નોટીસ લટકતી જોવા મળી હતી. બેંકોના શટર ડાઉન હતા અને કામકાજ સદંતર બંધ જોવા મળ્યું હતું.

રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાળને કારણે રોકડની લેવડદેવડ, ચેક ક્લીયરિંગની કામગીરી ખોરવાઈ હતી. પંથકમાં રોજ અંદાજે 25 કરોડ રૂપિયાનું ક્લીયરિંગ થાય છે તે આજે થયું ન હતું. એસબીઆઈ એમ્પ્લોઈઝ યુનિયનના યઝદી કોન્ટ્રાકટરે જણાવ્યું કે આજે રાષ્ટ્રીયકૃત બેંકોના તમામ કર્મચારી હડતાળમાં જોડાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે નિર્ધારિત એલાન મુજબ 31મી મેના રોજ પણ કર્મચારીઓ હડતાળ ઉપર જશે.

બીલીમોરામાં વિવિધ બેંકની 15 શાખા બંધ 
બેંકના યુનિયનના લોકોની સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ નીવડી હતી. બેંક કર્મચારીઓ 15 ટકાનો વધારો માંગ્યો હતો. જેની સામે સરકાર દ્વારા 11 હજાર કરોડ એન.પી.એ. હોવાથી માત્ર 2 ટકા વધારો આપવાની વાતો કરતી હોવાનું જાણવા મળે છે. જેના કારણે દેશભરની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોએ બે દિવસની હડતાળ પાડવાનું ઠરાવ્યું હતું. જેને પગલે બીલીમોરાની 15 બેંકોની શાખાના કર્મચારીઓ બે દિવસીય હડતાળમાં જોડાતા બીલીમોરાનું 2 દિવસનું અંદાજે 25 કરોડ જેટલું બેન્કિંગ વ્યવહારને અસર થશે.

વાંસદામાં હડતાળને લઇ લોકોને હાલાકી 
વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદા ખાતે રાષ્ટ્રીય કૃતીબેન કર્મીઓ બે દિવસની હડતાલને લઇ આજે બેંકો બંધ રહેતા ગામડાઓથી આવતા ગ્રાહકોનું બેંકનું કામ ન થતાં પરત ફરવું પડ્યું હતુ. બેંક કર્મચારીઓની પગાર વધારા સહીતની જુદી જુદી માંગની બીલ માત્ર અંગે કેન્દ્ર સરકાર અને ઇન્ડીયન બેંક એસોસીએશનનો કોઈ નિર્ણય ન આવતા વાંસદાના રોષે ભરાયેલા બેંક કર્મચારીઓ તા. 30 અને 31 મીએ એમ બે દિવસની હડતાલ ઉપર રહેતા વાંસદા વિસ્તારના કરોડો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો છે.