6 May 2018

નવસારીના સખીમંડળો ગુજરાતમાં અવ્વલ નંબરે છે


ગ્રામ સ્વરાજ અભિયાનના સમાપન સમારોહ અને આજીવિકા દિવસ ઉજવણી અવસરે બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં ટાટા હોલ ખાતે યોજાયેલા સમારોહમાં નવસારી જિલ્લાની 800 ઉપરાંત બહેનોને આવરી લઇ, વિવિધ લાભો, પ્રમાણપત્રોનું જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, અન્ન આયોગના ડીરેકટર નિરંજન ઝાંઝમેરા, કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ સહિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

લાઇવલી હુડળ પ્રમોશન કંપની, દિનદયાલ અંત્યોદય યોજના, રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ આઇટીઆઇના 10 યુવાનોને કરારપત્રો, નવસારી જિલ્લાની 10 ગ્રામ સઘીસંઘને રૂ. 17 લાખ લોન/સહાય, દિનદયાળ ઉપાધ્‍યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ સાત તાલીમાર્થીઓને બેંક લોન, કિટસ વિતરણ, 114 સ્વસહાયજુથ/સખીમંડળોને એક કરોડ દસ લાખના કેશ ક્રેડિટ લોનના ચેકોનું વિતરણ, નિર્દેશક ભોજન યોજના અન્વયે સગર્ભા બહેનોને ભોજન પુરૂ પાડવા વર્કઓર્ડર, 26 બેંક સખીઓને ગ્રામ સંગઠનનો નિમણૂક પત્ર તેમજ બેસ્ટ પ્રેકટીસ કરતા સ્વસહાયજુથોને સન્માનિત કરવામાં આવ્‍યા હતા. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ નવસારીમાં 62 ઉદ્યોગોને સાંકળીને 144 એપ્રેન્ટીસશીપ કરાર કરવામાં આવ્યા છે.

ધારસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકર જયંતીથી શરૂ થયેલા અને 5 મી સુધી ગ્રામ સ્વરાજ અભિયાન સમાપન દરમિયાન છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓને અદના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. ગ્રામીણ અર્થકારણના બદલાવ માટે મહિલાઓનો ફાળો વિશેષ રહ્યો છે. જેમાં નવસારી જિલ્લાના સખીમંડળો ગુજરાતમાં અવ્વલ નંબરે છે. સખીમંડળની બહેનો સ્વનિર્ભર બની છે.