18 May 2018

‘સાગર’ વાવાઝોડાથી નવસારી જિલ્લો એલર્ટ


એડનના અખાતમાં ઉદભવેલ સાગર વાવાઝોડું નવસારી જિલ્લામાં આવવાની શક્યતાને જોતાં ગુરૂવારે તાબડતોબ તંત્રને એલર્ટ રહેવાની સૂચના જારી કરવામાં આવી હતી. વાવાઝોડાથી તા. 17થી 18 મી દરમિયાન પવનની સાથે વરસાદ પડવાની શક્યતા જોવાઇ છે. જિલ્લા વહીવટી તંત્રએ ‘સાગર’ વાવાઝોડાની ખબર પડતાં તાબડતોબ દિશાનિર્દેશ જારી કરી દીધા હતા.

વાવાઝોડાના ડરના પગલે 48 કલાક મચ્છીમારી પર પ્રતિબંધ, કાંઠા વિસ્તારોના રહીશોને ચેતવણી અપાઈ
યમન નજીક એડનના અખાતમાં ‘સાગર’ નામનું વાવાઝોડું ઉદભવ્યું હોવાની જાણકારી બહાર આવી હતી. ‘સાગર’ વાવાઝોડું આગળ વધતાં ગુજરાતમાં પણ પ્રવેશવાની શક્યતા જોવાઇ હતી. વાવાઝોડાની સામાન્યત: અસર દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ રહેલી હોય દરિયાકાંઠે આવેલ નવસારી જિલ્લામાં વહીવટીતંત્રને વાવાઝોડાની ખબર બપોરે મળતા જ ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. તાબડતોબ જિલ્લા વહીવટી તંત્રએ ‘સાગર’ વાવાઝોડાને લઇ દિશાનિર્દેશ જારી કરી દીધા હતા. તમામ તાલુકાનાં મામલતદારો ચીફ ઓફિસરો સહિત ઉચ્ચ અધિકારીઓને સાગર વાવાઝોડાને કારણે ભારે પવન ફુકાવા તથા હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલ હોવાથી સંભવત: ઉભી થનારી પરિસ્થિતિમાં પહોંચી વળવા તૈયારી સાથે સાવચેત રહેવા તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા જણાવાયું હતું.

ખાસ કરીને નવસારી જિલ્લાનાં દરિયાકિનારે આવેલા કાંઠાનાં ગામોમાં તકેદારી રાખવા તલાટી કમ મંત્રીને હેડક્વાર્ટરમાં હાજર રહેવા તથા કોઇ ઘટના બને તો તુરંત કંટ્રોલરૂમને તાત્કાલિક જાણ કરવા તાકીદ કરાઇ હતી. નવસારી જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડીયા અને નિવાસી એડીશનલ કલેક્ટર કે. એસ. વસાવાએ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

આ 16 ગામોમાં વધુ સાવચેતી જરૂરી
જલાલપોર તાલુકા: દાંતી, ઉભરાટ, દીપલા, વાસી, બોસી, સામાપોર, ઓંજલ, કૃષ્ણપુર.
ગણદેવી તાલુકો: મેંધર, માસા, ધોલાઇ, બીગરી, ભાઠા, કલમઠા, છાપર.

ધોલાઇ બંદરે સૂચના અપાઇ
તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આપવામાં આવેલ સૂચના મુજબ ધોલાઈ બંદરના ઇ.ચા. મદદનીશ મત્સ્યોદ્યોગ અધિકારી જગદીશભાઈ વાઢેલની ટીમે મચ્છીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટોને વાયરલેસથી સંદેશો મોકલી પરત બોલાવવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ ધોલાઈ બંદરે લાંગરેલી અન્ય બીજી બોટોને આ સાગર નામક વાવાઝોડાના પગલે હાલ દરિયો ખેડવા નહીં જવા કડક સૂચના આપવામાં આવી છે. બોટનો સંપર્ક થતાં દરિયામાં ગયેલ ત્રણેક બોટો પરત બંદરે આવવા રવાના થઈ છે.

48 કલાક મચ્છીમારી ઉપર પ્રતિબંધ
‘સાગર’ વાવાઝોડાને કારણે આગામી 48 કલાક દરમિયાન મચ્છીમારી કરવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જે બોટો ફિશિંગ કરી રહી છે તેને જાણ કરી પરત બોલાવી લેવાઇ છે. વધુમાં દરિયામાં ફિશિંગ કરવા જઇ રહેલ બોટોને હાલ નવા ‘ટોકન’ ઇશ્યુ કરવામાં આવતા નથી.- અશોક પટેલ, ફિશરીઝ અધિકારી, નવસારી