12 June 2018

નવસારીના મચ્છી માર્કેટને અન્યત્ર ખસેડવા જિલ્લા કલેક્ટરનો આદેશ


નવસારી શહેરમાં બનાતવાલા હાઇસ્કૂલ પાસે વર્ષોથી ‘મચ્છી બજાર’ ભરાય છે. આ બજાર અહીંથી ખસેડવા વાટોઘાટો કરી વૈકલ્પિક જગ્યા આપી અન્યત્ર ખસેડવા જણાવાયું છે અને જો એમ ન થાય તો દબાણ પોલીસ પ્રોટેક્શન સાથે દૂર કરવા જિલ્લા કલેક્ટરે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જણાવ્યું છે. ભૂતકાળમાં પણ આ મામલે ઉહાપોહ થયો હતો પરંતુ મચ્છીમાર્કેટ યથા સ્થાને રહ્યું હતુ. નવસારી શહેરમાં નગરપાલિકા કચેરીએથી થોડે જ દૂર બનાતવાલા હાઇસ્કૂલથી ગોહિલ હોસ્પિટલ જતા સાંકળા માર્ગ ઉપર મચ્છી વેચનારા બેસે છે અને મચ્છી બજાર ભરાય છે. આ મચ્છી બજાર નજીક શહેરનો કોમર્શીયલ વિસ્તાર આવેલ છે. ઉપરાંત નજીક શાળાકીય સંકુલ, હોસ્પિટલ, પાલિકા કચેરી પણ આવેલી છે.

ભૂતકાળમાં પણ બનાતવાલા હાઇસ્કૂલ પાસેના મચ્છીમાર્કેટ ખસેડવા પ્રયત્ન થયા હતા
આ ભરચક, સાંકળા માર્ગ ઉપર મચ્છી માર્કેટને અન્યત્ર ખસેડવા ભૂતકાળમાં પણ માંગ થઇ હતી. જો કે એક યા બીજા કારણે મચ્છી બજાર ત્યાં જ યથાવત રહ્યું છે.હવે આ મચ્છી બજારનો મુદ્દો જિલ્લા કલેક્ટર સમક્ષ ગયો છે. મળતી માહિતી મુજબ નવસારીનાં દેવેન્દ્ર નટવરલાલ ભાવસાર, નટવરલાલ એલ ભાવસારે હાલમાં કલેક્ટરનાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બનાતવાલા સ્કૂલ નજીકની મચ્છી માર્કેટનો પ્રશ્ન ફરિયાદ નિવારણમાં લઇ ગયા હતા. ફરિયાદ નિવારણમાં આ મચ્છી માર્કેટ રસ્તાનું દબાણ કરી ખુલ્લામાં ચાલતું હોય તેને અન્યત્ર ખસેડવાની માંગ કરી હતી.

આ પ્રશ્ને ફરિયાદ નિવારણમાં જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાએ ચીફ ઓફિસર નવસારીને માછલી વેચનારાઓ સાથે વાટોઘાટો કરી તેઓને વેચાણ કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતુ અને તેમ ન માને તો પોલીસ પ્રોટેકશન સાથે દબાણ દૂર કરવા નિયમોનુસારની કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. અહીં શાળા છૂટવાના સમયે મચ્છી માર્કેટ શરૂ થાય છે.

પાલિકાએ પીછે હટ કરી હતી
તાજેતરમાં નવસારી પાલિકાએ શહેરભરમાં લારી-ગલ્લા હટાવ ઝુંબેશ આદરી રસ્તા ઉપર નડતરરૂપ અનેક લારીગલ્લા હટાવ્યા હતા. આ સમયે પાલિકાએ મચ્છી માર્કેટનું દબાણ હટાવવાનું પણ મન બનાવ્યું હતુ. જોકે પોલીસ બંદોબસ્ત ન મળતા યા અન્ય કારણોએ પીછે હટ કરી હતી અને દબાણ દૂર કર્યુ ન હતુ.