26 June 2018

પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના લાભાર્થે ફાર્મમાં સંગીતસંધ્યા યોજાઈ


નવસારીના બી.આર. ફાર્મ ખાતે તા. ૨૩-૬-૨૦૧૮ના રાત્રિના ૯ઃ૩૦ કલાકે ઓસમાણ મીર અને તેમના ગ્રૂપની એક સંગીતસંધ્યાનો કાર્યક્રમ નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારીના લાભાર્થે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી.આર. પાટિલ, ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈ (નવસારી), ધારાસભ્ય નરેશભાઈ પટેલ (ગણદેવી), જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન તથા ડી.ડી.ઓ. આર.સી. ગોહિલ, કલેક્ટર મોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડયા અને વિશાળ સંખ્યામાં પોલીસ સ્ટાફ, દાતાઓ અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ સી.આર. પાટીલે રૃ. ૨,૫૧,૦૦૦ની જાહેરાત કર્યા બાદ દાતાઓએ મન મૂકીને દાનનો પ્રવાહ વહેવડાવતા કાર્યક્રમના અંતે દાનનો આંક ૧.૩૨ કરોડે પહોંચ્યો હતો.

રાત્રે ૯ઃ૩૦ કલાકે શરૃ થયેલો કાર્યક્રમ મોડી રાત્રિ સુધી ચાલ્યો હતો. જેમાં ઓસમાણ મીર અને તેના ગ્રૂપે ગઝલ, છંદ, દોહા અને રાષ્ટ્રગીતો અને શેર-શાયરી શરૃ કરીને રજૂ કરતા તમામ શ્રોતાઓ ઝૂમી ઉઠયા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન મધુભાઈ કથીરિયાએ કર્યું હતું.   સંગીતસંધ્યાના મુખ્ય નાયક ઓસમાણ મીર સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રના ઉત્થાન માટે થઈ રહેલા કાર્યક્રમ માટે હું ગર્વ અનુભવું છું. પોલીસ પ્રજાનો મિત્ર નહીં, પણ પરમ મિત્ર છે. આજપર્યંત સેંકડો કાર્યક્રમો કર્યા છે, પણ આવા પ્રજાલક્ષી કાર્યક્રમનો સવિશેષ મને આનંદ છે.