1 June 2018

નવસારી જિલ્લાનું ધો. 12 (સા.પ્ર.)નું 65.04 ટકા પરિણામ


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાનું 65.04 ટકા પરિણામ રહ્યું હતું. ચાલુ વર્ષે એ1 ગ્રેડ મેળવવા કુલ 8240 વિદ્યાર્થીઓમાંથી માત્ર 4 જ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ પરિણામ દિગેન્દ્રનગર કેન્દ્રનું 76.89 ટકા જ્યારે સૌથી નીચુ પરિણામ બીલીમોરા કેન્દ્રનું 51.21 ટકા રહ્યું હતું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુરૂવારે જાહેર કરાયું હતું.

જિલ્લામાંથી કુલ 8359 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા. જેમાંથી 8240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી કુલ 2883 વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા હતા. જેને પગલે નવસારી જિલ્લાનું પરિણામ 65.04 ટકા રહ્યું હતું. નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે અંગ્રેજી માધ્યમની સ્કૂલે બાજી મારી હતી. ડિવાઈન પબ્લિક સ્કૂલની નિશી ચેતનભાઈ શાહ 94.53 ટકા સાથે જિલ્લામાં પ્રથમ રહી હતી. શેઠ આર.જે.જે. હાઈસ્કૂલની વૃશાલી સોની 93.06 ટકા સાથે બીજા ક્રમે રહી છે. વધુમાં ભક્તાશ્રમની પરીનાઝ બુહારીવાલા 91.87 ટકા સાથે ત્રીજા અને સર.જે.જે. ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ નવસારીની ક્રિષા કંસારા 91.02 ટકા સાથે ચોથા ક્રમે રહી હતી.

જિલ્લામાં માત્ર 4 વિદ્યાર્થીઓ અને તે પણ તમામ વિદ્યાર્થિનીઓએ જ સિદ્ધિ મેળવીને દીકરી હોવાનું ગૌરવની સાથે સ્કૂલને પણ સિદ્ધિ અપાવી હતી. નવસારી જિલ્લામાં એ1માં 4, એ2માં 78, બી1માં 445, બી2માં 1296, સી1માં 1890, સી2મા 1339 અને ડી ગ્રેડમાં 305 મળી 5357 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.

કેન્દ્રવાર ટકાવારી