1 June 2018

બ્લોક પેવિંગ મુદ્દે નવસારી પાલિકાની સભામાં વિપક્ષે ભેદભાવનો આક્ષેપ કર્યો


નવસારી પાલિકાની ગુરૂવારે મળેલ સામાન્ય સભામાં શહેરમાં થતાં બ્લોકપેવીંગના કામો અંગે ભારે હોબાળો થયા બાદ શાસકોએ અનેક કામો ચર્ચા વિના જ મંજુર કરી સભા પૂરી થયેલ જાહેર કરી દીધી હતી.નવસારી પાલિકાનાં હાલના પ્રમુખ અલ્કાબેન દેસાઇનાં પ્રમુખપણા હેઠળની છેલ્લી સામાન્ય સભા ગુરૂવારે પાલિકાનાં સભાખંડમાં મળી હતી. સભાના એજન્ડા ઉપર કુલ 67 કામો હતા. સભામાં પબ્લીક વર્કસ કમિટી (બાંધકામ) નાં કામોની ચર્ચા જ વિપક્ષની નારાજગીથી થઇ હતી. વિપક્ષી સભ્યો અંજુમ શેખ, ધવલ દેસાઇ, પિયુષ ઢીમ્મર, મેહુલ ટેલર વિગેરેએ બ્લોકપેવીંગ તથા રોડના કામોમાં અન્યાય થતો હોવાનું જણાવ્યું હતુ.

મ્યુ.એન્જિ.નો નેગેટીવ રીપોર્ટ છતાં કરાતા બ્લોક પેવિંગ મુદ્દે પસ્તાળ
અંજુમ શેખે તો ત્યાં સુધી કહ્યું કે તેઓએ ઘણા લેટરો કામો માટે લખ્યા છે તેના જવાબ શુધ્ધાં અપાતા નથી. જવાબમાં પ.વ.કમિટી ચેરમેન જયંતિ ગોપાણીએ કહ્યું કે અમે કામો કરવામાં ભેદભાવ કરતા નથી. વિકાસના કામો તમામ વોર્ડમાં કરાય છે. ભેદભાવ તો ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં રખાતો હતો. બ્લોકપેવીંગની ચર્ચા આગળ ધપાવતા વિપક્ષી સભ્ય પિયુષ ઢીમ્મરે કહ્યું કે બ્લોકપેવીંગ સંદર્ભે મ્યુનિસીપલ એન્જીનિયરે એવો રીપોર્ટ આપ્યો છે કે, બ્લોકપેવીંગથી ગ્લોબલ વોર્મીગની અવળી અસર થાય છે. પાણી જમીનમાં જતું નથી અને તળ નીચા જાય છે તથા પર્યાવરણને હાનિ થાય છે.

આવો રીપોર્ટ હોવા છતાં શાસકો એક પછી એક બ્લોકપેવીંગના કામો શા માટે કરે છે શા માટે  મ્યુ. એન્જીનિયરના રીપોર્ટ અમલ કરાતો નથી વિપક્ષના સવાલ સામે ચેરમેન ગોપાણીએ કહ્યું કે બ્લોકપેવીંગ તો 15 વર્ષથી થાય છે. આજે શા માટે સવાલ ઉઠાવો છો. ગોપાણીનો જવાબ ઠીક ન લાગતા વિપક્ષી સભ્યોએ મ્યુનિસીપલ એન્જીનિયરના રીપોર્ટ મુદ્દે શાસકો પાસે ખુલાસો માંગવાની માંગ જારી રાખી હતી. લગભગ અડધો કલાક આ મુદ્દો શોરશરાબા હોબાળો ચાલુ રહ્યો હતો. આખરે શાસકોએ સભાના એજન્ડા ઉપરનાં અન્ય તમામ કામો ‘મંજૂર મંજુર’ કહી રાષ્ટ્રગીત ગાવાની શરૂઆત કરી હતી અને રાષ્ટ્રગીત પૂરું થતાં સભા પૂરી થયાની જાહેરાત કરી હતી.

પ્રમુખની છેલ્લી સભા પણ તોફાની
નવસારી પાલિકાનાં વર્તમાન પ્રમુખ અલકાબેન દેસાઇનાં પ્રમુખપદ દરમિયાન અનેક સભા તોફાની બની, વિપક્ષો વોકઆઉટ પણ કર્યો છે. ગુરૂવારની સભા તેમના અઢી વર્ષનાં પ્રમુખપણા હેઠળની છેલ્લી સભા હતી. તેથી આ સભા શાંતિમય રીતે આટોપાશે એવી ધારણા હતી. જોકે આ સભા પણ તોફાની બની અને વિપક્ષની ભારે નારાજગી વચ્ચે જ સભા આટોપીને પડી હતી.