3 June 2018

અધૂરો રિંગરોડઃ નવસારીમાં રિંગરોડના 11 વર્ષેય ઠેકાણાં નથી


નવસારીના ડેવલપમેન્ટ પ્લાનમાં 1985-87ના અરસામાં પ્રકાશ ટોકીઝથી રૂસ્તમવાડી વિરાવળ, ભેંસતખાડા થઇ ઇસ્લામપુરા સુધીનો રિંગરોડ મૂકવામાં આવ્યો હતો. પ્રકાશ ટોકીઝથી વિરાવળ સુધી 2.6 કિલોમીટર અને વિરાવળથી ઇસ્લામપુરા સુધી 1.3 કિલોમીટર મળી કુલ 3.9 કિલોમીટરના રિંગરોડ ડેવલપમેન્ટ પ્લાન (ડીપી)માં મૂકવામાં આવ્યો હતો. નવસારીને થઇ રહેલ વિકાસનાં અનુસંધાને વધુ એક રોડ મળે તે આશયથી ડીપીમાં રિંગરોડ મૂકવામાં આવ્યો હતો.

પ્રકાશ ટોકીઝથી વિરાવળ અને ભેંસતખાડાથી ઇસ્લામપુરાનો કુલ 3.1 કિ.મી માર્ગ બન્યો નથી
ડીપીમાં રિંગરોડ મૂકાયા બાદ નાણાંનો અભાવ, જરૂરિયાત વધુ ન જણાતા યા અન્ય કારણોએ રિંગરોડની કાર્યવાહી તુરંત કરાઇ ન હતી. ઠેઠ 2005ની સાલ બાદ રિંગરોડનાં ચક્રો સક્રિયપણે પાલિકાએ ગતિમાન કર્યા હતા. સને 2007માં પ્રથમ તબક્કે વિરાવળ નાકાથી ભેંસતખાડા સુધીના 800 મીટરના રોડ માટે જગ્યા ખુલ્લી મળતા રોડ બનાવી દેવાયો હતો. તે વખતે કુલ 24 મીટરની જગ્યાએ 12 મીટરનો પહોળો રોડ બનાવી દેવાયો હતો. ખર્ચ અંદાજે 3 કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો હતો. આ રોડ બની ગયા બાદ ધારણા હતી કે બાકીનો 3.1 કિલોમીટરનો રિંગરોડ બનવામાં પણ વધુ વિલંબ થશે નહીં પરંતુ આ આશા ઠગારી નીવડી છે.

પાલિકાએ બાકીના રિંગરોડ માટે પ્રયત્નો તો કર્યા છે પરંતુ હજુ સુધી બનાવી શકી નથી અને રિંગરોડ અધુરો જ રહ્યો છે. પ્રકાશ ટોકીઝથી વિરાવળનો રોડ બનાવવા માટીપુરાણ સહિતની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી તો છે પરંતુ રોડ હજુ બન્યો નથી અને પંથકના લોકો તેનો લાભ લઇ શક્યા નથી.

દબાણ તો હટાવાયાં પણ કામગીરી હજુ નહીં
પ્રકાશ ટોકીઝથી વિરાવળનો 2.6 કિલોમીટરનો માર્ગ બનાવવા આડે રૂસ્તમવાડીનાં અનેક ઘરનાં દબાણો હતા. આ દબાણોને આજથી દોઢ વર્ષ અગાઉ ડિમોલિશન કરી અહીં રહેતા અસરગ્રસ્તોને સરકારી આવાસ આપી દેવાયા બાદ આ રિંગરોડનાં વિઘ્નો દૂર થતા તુરંત બની જવાની આશા હતી. જો કે ઉક્ત દબાણો દૂર થયા બાદ પણ આજદિન સુધી આ રોડ પૂર્ણત: બની શક્યો નથી.

2007માં બનેલા રિંગરોડનો ખર્ચ કેટલો?
નવસારીમાં 2007ના અરસામાં બનેલા વિરાવળથી ભેંસતખાડા સુધીનાં 500 મીટર લંબાઇના રોડ માટે અંદાજે 3 કરોડનો ખર્ચ થયો હતો. હવે પ્રકાશ ટોકીઝથી વિરાવળ સુધીનાં 2.6 કિલોમીટરનાં રિંગરોડ માટે 13.5 કરોડ રૂપિયાનાં ખર્ચનો અંદાજ છે. જેમાં 8 કરોડ કરોડના ખર્ચે ડામરનું કામ કરાશે. બાકીના ડામર રોડનું કામ બાદમાં કરાનાર હોવાનું જાણવા મળ્યું છે.


500 મીટરના માર્ગમાં સંપાદનનો પ્રશ્ન ઊઠ્યો
નવસારી નગરપાલિકાએ વિરાવળથી ઇસ્લામપુરા (જુના થાણા) સુધીનાં 1.3 કિલોમીટરના માર્ગમાં વિરાવળથી ભેંસતખાડાનો 800 મીટરનો માર્ગ તો 2007ના અરસામાં જ બનાવી દીધો હતો. જોકે, ભેંસતખાડાથી ઇસ્લામપુરા સુધીના 500 મીટરના માર્ગ બનાવવાનાં અવરોધો દૂર કરી શકાયા નથી. આ માર્ગ ઉપરનાં ખાનગી જમીનના માલિકોને જમીન આપવા પાલિકા સમજાવી શકી નથી.